ખડ્ડૂસ..
ખાલી શબ્દ વાંચતાની સાથે જ તમને કઈ આઈટમનું મોઢું સામે આવ્યું..?
ચલો હવે થોડું રમીએ..હું સ્કુલ-નિબંધરૂપે ખડ્ડૂસનું મુદ્દાસર વર્ણન કરું,અને તમે વિચારો કે હું સાચો છું કે ખોટો..? તમને નજર સામે દેખાઈ રહેલી ખડ્ડૂસ નામની આઈટમ જોડે આ નિબંધમાં બંધ બેસે છે કે નહિ !!??
ખડ્ડૂસ નામના પ્રાણીના હાવભાવ ક્યારેય એના મોઢા પર દેખાતા નથી, એનો આખે આખો સપાટ ચેહરો જ હોય,અને જો ક્યારેક ભૂલ ભૂલમાં કોઈ હાવભાવ દેખાય તો કળાય નહિ..
ખડ્ડૂસ જીવનમાં ક્યારેય હસતો જોવા મળતો નથી,પણ જો ખડ્ડૂસ નામનું પ્રાણી જે દિવસે ભૂલથી હસી પડે તો એ દિવસે એની માતાનું મૃત્યુ થાય છે..
ખડ્ડૂસની સામે તમે કોઈપણ વાર પ્રેમથી બોલો, કે એને તમે મહાપરાણે બોલાવો તો કદાચ ભૂલ ભૂલમાં ક્યારેક માંડ માંડ..સારું છે..! એટલું જ બોલશે,અને જો એનાથી વધારા ના આ શબ્દો સિવાય,બીજા બે શબ્દોથી વધારે બોલવાનું આવ્યું તો ખડ્ડૂસ એવું કૈક બોલે કે આપણને એમ થાય કે એના કરતા ખડ્ડૂસ ના બોલ્યો હોત તો સારું..
ખડ્ડૂસ મોટેભાગે બધાથી આંખો ચોરતો દેખાતો હોય છે,અને મારા જેવો જબરજસ્તી થી ખડ્ડૂસની સામે ખોડાઇ ને એની આંખમાં આંખ નાખી અને એને કેમ છો ખડ્ડૂસ ? એમ કહે, તો ખડ્ડૂસ પેહલા તો “બેહરો” થઇ જાય,સાંભળ્યું ના સાંભળ્યું કરે અને પછી ફરી એકવાર એના ડાચાની નજીક જઈને એની સામે આંખમાં આંખ ઘાલીને કહીએ તો ખડ્ડૂસ મહાપરાણે સારું છે..!! એટલું જ બોલે,પણ આપણ ને તો સામું તમે કેમ છો ?એમ તો ખડ્ડૂસ ધરાર ના જ પૂછે..!!
કોઇપણ મેળાવડાની જગ્યાએ ચાર જણા વાત કરતા હોય, અને એમાં ભૂલ ભૂલમાં ખડ્ડૂસ ચર્ચામાં ઉતરી પડે તો ખડ્ડૂસ ની જેવી એની નીચી પડે કે તરત જ ઉભો થઈને ચાલવા માંડે, અથવા તો મોટે મોટેથી બોલવા લાગે છે,અને કઈ જ ના થાય તો વ્યવસ્થિત રીતે ખડ્ડૂસ ઝઘડો ઉભો કરી લેતો હોય છે…!
શરુ શરુમાં તો કાકી ખડ્ડૂસને સારી લાગી હતી,લગ્નના બેચાર દિવસ તો ખડ્ડૂસકુમાર હસ્યા પણ પછી સાઢુભાઈને ઘેર ગાડી આવી ત્યારથી ખડ્ડૂસકુમાર ઓરીજીનલ રૂપમાં પાછા ફેરવાઈ ગયા..! એ દિવસ પછી એમના નાકના ફોયણા કાયમ “હડી” કાઢીને દોડતી ભેંસની જેવા ફૂલેલા અને ઊંચાં જ રહે છે..!
ખડ્ડૂસની એક ખાસીયત હોય છે,ખડ્ડૂસ જે કેડીએ ચાલતો હોય એ કેડી ને એ જીવનભર ઝાલી રાખતો હોય છે ક્યારેય ખડ્ડૂસ આઘોપાછો નહિ થાય..!
ખડ્ડૂસ જીવનમાં પસંદગીના બેચાર લોકો જોડે જ વાત કરતો હોય છે, અને એ બે-ચાર લોકો સિવાયની આખી દુનિયા ખડ્ડૂસ માટે દુશ્મન બરાબર હોય છે..ખડ્ડૂસને હસવા માટે કે રડવા માટે ક્યારેય કોઈ ખભો નથી મળતો હોતો,અને હા ખડ્ડૂસને લગનમાં જવા કરતા બેસણામાં જવાનો આનંદ વધારે આવતો હોય છે..!
આમ જોવા જાવ તો ખડ્ડૂસ ભરીદુનિયામાં એકલો જીવતો હોય છે, અને જો તમારા નસીબે ખડ્ડૂસ ખુલી ગયો અને એની જીવનકથા કહી ગયો તો એની જીવનકથનીમાંથી ગજબ જ્ઞાન મળે…!! સીરીયસલી..(ચેતવણી :-કોઈ જ્ઞાન લેવાની લાલચે ખડ્ડૂસનાં મોઢામાં આંગળા ઘાલવા ના જતા હોં બચકાં કે બાચકા બધું ભરી લેશે..)
પણ હા ખડ્ડૂસ એવા નસીબવાળાની સામે જ ખુલે, કે જેને ફાતડાની ઠાઠડી જોવા મળી હોય..!
ખડ્ડૂસ ને જોઈને ગલીના કુતરા પણ ભસવા માંડતા હોય છે…! ખડ્ડૂસ એમને પણ નથી છોડતો..!
બસ…હાશ…ખડ્ડૂસનો નિબંધ પૂરો..!
બધ્ધી ભડાસ નીકળી ગઈ,આજે સવાર સવારમાં લગભગ આઠેક વાગ્યામાં મને એક ખડ્ડૂસ ભટકાઈ ગયો અને ત્યારનું મને પેટમાં દુ:ખવા ચડ્યું હતું..હવે લખી કાઢ્યું એટલે મટ્યું..
આજે સવારે હું એક જગ્યાએ કામથી બહાર જતો હતો એટલે મંદિર વેહલો પોહ્ચ્યો અને ત્યાં ખડ્ડૂસ બીજા એકજણની જોડે મને મંદિરમાં સામો ભટકાઈ ગયો..અમે ત્રણ મંદિરના પ્રાંગણમાં ઉભા હતા અને ત્યાં મારે એક ફોન આવ્યો,લગભગ ઠંડીને લીધે મંદિર ખાલી હતું,ખડ્ડૂસ કશું જ નોહતો કરતો,પણ કદાચ હું ફોનમાં એક્સાઈટ થઈને સેહજ મોટેથી વાત કરતો હતો તો મને કહે થોડા દુર જઈને વાત કરો ને..!
અને ત્યારની મારી હટી હતી..અલ્યા ખડ્ડૂસિયા તું નવરી બજાર બેઠી છે અને હું કઈ ફોનમાં ગાળાગાળી નોહતો કરતો,પણ એને મને ટોકવાનો મોકો જોઈતો હતો અને એને મળી ગયો..!
દોઢ ડાહીનો સાલો ખડ્ડૂસીયો..!!
આટલી ગાળો આપ્યા પછી હવે મને એ ખડ્ડૂસ ઉપર દયા આવે છે..
બિચારાને જીવનમાં કેવા દ:ખ પડ્યા હશે તે “આવો” થઇ ગયો હશે..માણસ જન્મે ત્યારથી થોડો ખડ્ડૂસ હોય છે..?સમય અને સંજોગ બિચારાને મારી મારીને ખડ્ડૂસ બનાવી દેતા હોય છે..!
ખડ્ડૂસના ઈતિહાસમાં જરાક ડોકાચિયું કર્યું તો ખરેખર બાપડાને જીવનમાં ઘણી તકલીફો હતી અને “તકલીફ એટલે જ જીવન”,એવું માની ને બાપ`ડો ખડ્ડૂસ તો જિંદગી જીવતો થઇ ગયો હતો..!
જીંદગીમાં પારાવાર ગરીબી અને તનતોડ મેહનત કરીને ખડ્ડૂસ “દોઢ પાંદડે” માંડ થયો હતો, અને એમાં એકવાર શેરબજારની તેજીમાં મધ “લેવા” ગયા ખડ્ડૂસકુમાર, અને આખો મધપુડો ખડ્ડૂસ ઉપર તૂટી પડ્યો હતો, ત્યાર નો ખડ્ડૂસ બાપડો સવા પાંદડે આવીને અટકી ગયો છે..!
આગળ વધતો નથી..!
પેહલા રેડીયામાં મુકેશ સાંભળતો અને હવે અરિજિત..! પણ રેડિયામાં જ હોં..!
જવા દો હવે ખડ્ડૂસને જે “ખડ્ડૂસે” સવાર બગાડી તદ્દન એના જ વ્યવસાયવાળો બીજો “હસમુખ” મને સાંજે એક મેળાવડામાં મળી ગયો..
તમે છો શૈશવભાઈ..!!?? અરે યાર તમને વાંચી વાંચીને મેં કેટલી મજા લીધી છે..!
લગભગ દસ મિનીટ સુધી મારા બંને હાથ પકડીને બોલતો રહ્યો અને આંખ-મોઢેથી હસતો રહ્યો, છેવટે એકદમ પ્રેમભર્યું “હગ” આપીને છૂટો પડ્યો..!
જીવન છે ચાલતું જાય છે,ક્યારેક કોઈ સવાર “ખડ્ડૂસ” બગાડે તો સાંજ “હસમુખ” સુધારી નાખે છે..!
શુભ રાત્રી
શૈશવ વોરા