કટયાર કાલજાત ઘુસલી .. બાપ મુવી છે ,જેને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં જરાક પણ સાંધો મળતો હોય એણે ફરજીયાત જોવું પડે એવું મુવી,
મરાઠી નાટક ઓરીજીનલી ૧૯૬૭માં બનેલું અને એનું ૪૮માં વર્ષે રીમેઈક બન્યું એક મુવીના ફોર્મમાં .નાટકના અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦૦૦ શો થઇ ચુક્યા છે..
સંપૂર્ણપણે ભારતીય શાસ્ત્રીય સંગીત ઉપર જ બનેલુ મુવી , રેડીયાના મરચા ,પોપકોર્ન કે સ્ટાર વેચતા આરજે ને ક્યાય કોઈ જાતના છેડાના મળે એવું એક પિકચર …
વિદ્યા મનમાં હોય અને કલા હ્રદયમાં , વિદ્યા મગજમાં ઉતરે અને કલા હ્રદયમાંથી બહાર આવે…
ગળાનું સ્થાન હૃદય અને મનની બિલકુલ વચ્ચે છે ,એટલે જયારે ગળાનો ઉપયોગ કરો ત્યારે હ્રદય અને મનનું સંતુલન કરો …
આવા આવા જોર જોર ડાયલોગ છે આ પિકચરમાં ..જીવનમાં એક પણ વાર જેણે તાનપુરો પકડ્યો હોય અને ગુરુની સામે બેસીને જેના ગળામાંથી સુર નીકળ્યા હોય એના માટે નું પિકચર ..
સૂર નિરાગસ હો …થી શરુ થયેલુ પિક્ચર જયારે સૂર નિરાગસ હો પર આવીને પૂરું થાય છે..ત્યારે ઓડીયન્સ ઉભું ના થાય હજી ભલે ચાલતું …પંડિત જીતેન્દ્ર અભીષેકી અને શંકર એહસાન લોય નું સંગીત ..
જુના રાગ રાગીણી ઉપર આધારિત બધા જ ગીતો , કેટ કેટલા રાગનો ઉપયોગ ..ભટિયાર,મારવા ,સોહિની ,કીરવાની,ભીમપલાસ ,કેદારો ,લલિત આવા બધા એક પછી એક રાગ આવ્યા જ કરે,
તાનપુરો તો લગભગ આખા પિકચરમાં ભાગ્યે ક્યાંક જ અટકે છે..ષડજ પંચમ કે ષડજ મધ્યમ તો આખો સમય ગુંજ્યા જ કરે ..!
સારંગી ,સિતાર ,પખવાજ ,સરોદ ,સંતુર ,તબલા ,હાર્મોનિયમ ..અને બીજા જાણીતા કે અજાણ્યા ઢગલે ઢગલા ઇન્સટ્રમેન્ટસ નો ઉપયોગ,સુંદર મ્યુઝીકની એરેન્જમેન્ટ છે…
પિક્ચરની જાન એવું ગીત ..ઘેઈ છંદ મકરંદ ..આહ વાહ શંકર મહાદેવન… એકટીંગ પણ સારી કેહવાય એવી કરી છે શંકર મહાદેવનએ ,પણ એકેએક ગીત જબરજસ્ત ગાયા છે એમણે ..
સંપૂર્ણ ભાવથી ગાયા છે શંકર મહાદેવનએ ,તેઓ શાસ્ત્રીય ગાયક નથી એટલે વધુ પડતી તાનો કે પલટાની આશા ના રાખીએ ,પણ જ્યાં જેટલી જરૂર પડે એટલી બધી જ હરકત,મૂરકી,કણ,મીંડ, ઘસીટ બધી જ કલાકારી બતાવી છે શંકર મહાદેવનએ..!
અને જરૂર લાગી ત્યાં તાર સપ્તકમાં છૂટથી ગળું ફેરવી લીધું છે ,નાની નાની તાનો મારીને કર્ણપ્રિય ગીતો બનવ્યા છે એકે એક ગીત ને ..લોકો ને જે સૌથી વધારે ગમે એવી સરગમો બહુ પ્રેમથી વપરાઈ છે દરેક ગીતમાં ..
દરેકે દરેક ગાયક એ દરેક ગીત અને ચીજ,તરાના,ગીત કે કવ્વાલીને સંપૂર્ણ ન્યાય આપ્યો છે ..
એક્ટિંગ પાર્ટમાં એક જોરદાર ટ્રાયો ગોઠવાય છે શંકર મહાદેવન , સચિન પીલગાંવકર અને સુબોધ ભાવેનો , સચિન પીલગાંવકર આમતો મરાઠી રંગભૂમિનું સંતાન અને હિન્દી સિનેમા અને ટીવીનું બહુ જાણીતું વ્યક્તિત્વ .. અદ્ભુત ન્યાય આપ્યો છે ખાન સાહેબના પાત્રને સંગીત ને બાદ કરતા આખા પીક્ચારને એકલા સચિન પીલગાંવકર ખેંચી જાય છે , મનમાંથી ના ભૂસાય એવી છાપ છોડે સચિન પીલગાંવકર…
શંકર મહાદેવન સરસ બસ આટલા ત્રણ અક્ષરો એમની એક્ટિંગ માટે ..
સુબોધ ભાવે સચિન પીલગાંવકરને કોઈ એ ટક્કર આપી હોય તો સુબોધ ભાવે સરસ મજાનું પાત્ર ભજવ્યું છે ,શદાશિવ નું …
ડાયરેકશન સારું છે , સેટિંગસ બે ત્રણ સેટ બનાવ્યા છે અને આખુ પિકચર એમાં ફેરવ્યું છે , બહારના લોકેશન પણ સારા લેવાયા છે પણ સ્ટોરી લાઈન એટલી મજબુત છે કે આડું અવળું ધ્યાન ઓછું જાય , ક્યાંક ક્યાંક અંદાજ આવી જાય કે નાટક માંથી પિક્ચર બન્યું છે કેમકે મરાઠી રંગભૂમિ નો ટચ આવી જતો હતો ..
એકાદ બે વાર એવું લાગ્યું કે પિક્ચર નહિ પણ નાટક જોઈ રહ્યો છું ,પણ માફ ..!
લગભગ આડત્રીસ વર્ષે સંપૂર્ણ સંગીત ઉપર આધારિત હોય એવું કોઈ પિક્ચર બન્યું છે એવું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લખે છે ,હિન્દીમાં આ પેહલા શંકરભરણમ સંગીત પર બનેલું પણ બહુ બુરી રીતે પીટાઈ ગયું હતું ..
કટયાર કાલજાત ઘુસલી પિક્ચરની વિશેષતા એ છે કે મુંબઈ પુનાના થીયેટરો હાઉસ ફૂલ જાય છે અને યુથ વળ્યું છે KKG જોવા માટે થીયેટર તરફ ..લાગે છે ભારતીય શાસ્ત્રીય સંગીત ના સારા દિવસો આવવા માં છે..!!
છેલ્લે પૂરું કરતા પેહલા કહી દઉં કે મરાઠી પિક્ચર છે ,પણ ઘણું ખરું હિન્દી ઉર્દુ નો ઉપાયોગ છે અને મરાઠી શુદ્ધ બ્રાહ્મણી મરાઠી છે , પુનાનો ભદ્ર સમાજ જે પ્રકારે મરાઠી બોલે છે એવો જેમાં મોટેભાગે સંસ્કૃતના શબ્દો આવે છે કે થોડા અપભ્રંશ થયેલા સંસ્કૃત શબ્દો હોય છે , જરાક ધ્યાનથી સંભાળીએ તો ૯૫ ટકા પિકચર ખુબ સાહજીકતા સમજાઈ જાય એમ છે …
પણ એક બહુ જૂની અને જાણીતી વાત છે ,
સૂર થોડો શબ્દનો મોહતાજ છે ..! શબ્દ સૂર નો મોહતાજ છે..!
મને તો સાતે સૂર મળી ગયા કટયાર કાલજાત ઘુસલી પિકચરમાં, અને એક મારો ગમતો ડાયલોગ “સદાશિવ” બોલી ગયા .. જે હાથ તાનપુરો ચલવે છે એ ગળું દબાવી શકે છે …
ભૂતકાળમાં ક્યારેક મને પણ તાનપુરો ચલાવતો જોઇને લોકો એલફેલ બોલતા અને ત્યારે મારી છટકતી ..!
યુ ટ્યુબ ઉપર ગીતો છે કટયાર કાલજાત ઘુસલી ના સંભાળજો સારો હેડફોન ના હોય તો વસાવજો અને કાનમાં ભરાવજો ..ખરેખર મજા આવશે ભાષાનુ બંધન નહિ નડે …કલાકારના અહંકારને તોડવા કટાર ના જોઈએ ..!! સૂર જ જોઈએ ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા