આજે રાત્રે પુષ્ય નક્ષત્ર બેસી જશે..અને કાલે ચોપડા ઘેર આવશે..લાપસીના આંધણ મુકાશે અને દિવાળી શરુ,..!
ચોપડા આવી જાય પછી ખીચડી ના બને, છેક બેસતા વર્ષ સુધી..!
કેલેન્ડર જોવાની રીત પણ બદલાઈ જશે,અંગ્રેજી કેલેન્ડરને છોડીને વિક્રમ સંવતવાળા તિથી કેલેન્ડર પર હવે આવી જવાનું ..અગિયારસ, વાઘબારસ..એમ એક પછી એક તિથી ગણવાની, તારીખ નહિ જોવાની..!
રોજે રોજનું કોઈ એક પૂજન અને એક મૂહર્ત..!
પણ આ દિવાળી ૨૦૧૬ ની થોડી ફિક્કી લાગે છે, બજારોમાં ચહલપહલ ઓછી છે, ભીડ તો દુર દુર સુધી દેખાતી નથી અને ઓનલાઈન સેલ્સના આંકડા પણ ધીમા છે, લગભગ બોનસ વેહ્ચાવવાના ચાલુ થઇ ગયા છે છતાં પણ જનતા ખર્ચા કરતી નથી..!
એક કારણ એવું પણ હોઈ શકે કે કદાચ આ દિવાળીમાં દરેક ચીજ વસ્તુ “અતિશય” થઇ ગઈ છે જેથી આપણે તેહવાર ઉજવવામાં ઠંડા પડી ગયા છીએ..!
પુષ્કળ પ્રકારની મીઠાઈઓ છાશવારે ખાઈએ છીએ ,વળી મીઠાઈના ભાવ પણ થોડા ઊંચા છે અને કોલેસ્ટ્રોલ,ચરબી કે સ્યુગર વધવાની બીકે પ્રજા લગભગ તળેલા અને ગળ્યા ખાતી અટકી ગઈ છે, લગભગ દરેક જણ મીઠાઈ ખાઈ ખાઈને થાકી ગયો છે, અથવા તો પોતાની જાતને સાચવવામાં ખાવામાં ધ્યાન રાખી રહ્યો છે, છેલ્લી ચાર પાંચ દિવાળીથી ગીફ્ટમાં પણ મીઠાઈને બદલે ડ્રાયફ્રુટના પડીકા વધારે આવે છે,અને જેને આપણે દિવાળી ગ્રીટિંગ કાર્ડ કેહતા કે ઓળખતા એ લગભગ ગાયબ છે..!
સીધો ફોન કે વોટ્સ એપ બહુ થયું તો ફેસટાઇમ કરવાનો..!
આ બધાથી અંતર વધ્યા કે ઘટ્યા એ સમજાતું નથી..પણ ઉમળકો ઘટ્યો એટલી ખબર ચોક્કસ પડે છે..! અને એનું કારણ પણ “અતિ” છે, દરેક વસ્તુ એક માપથી વધારે આપણે સહન નથી કરી શકતા..રોજ મળવાનું ,મેસેજ, ફોન કે પછી ફેસટાઈમમાં જોઈએ અને પછી જયારે રૂબરૂ જોઈએ ત્યારે જોઈએ એવો ઉમળકો બે માંથી એક તરફથી ના આવે..! પછી બસ એક ફોર્માલીટીવાળી વાત થાય..
પેહલાના STD વાળા ફોનના જમાનામાં પરદેસથી એક ફોન આવે ત્યાર પછી મહિનાઓ સુધી ફોન આવ્યો, ફોન આવ્યો એવું થતું હતું.!
ઉમળકાની સાથે દિવાળીની બીજી પણ એક વસ્તુ લગભગ નામશેષ થવાને આરે ઉભી છે અને એ છે ગ્રીટિંગ કાર્ડ, જે અત્યારે બજારમાંથી ગાયબ છે..!
મેં પણ દિવાળી ગ્રીટિંગ કાર્ડ કદાચ કોઈને લખ્યે વર્ષો થયા છે..!
જો કે આમ જોવા જઈએ તો દિવાળી કાર્ડની સાથે તમામ પ્રકારના કાર્ડસ બજારમાંથી ગાયબ છે..એક જમાનો હતો કે ત્રણ દરવાજા પેલી લારીઓ પર દિવાળી ગ્રીટિંગ કાર્ડ વેચતા પણ મારી જાણ પ્રમાણે નવરંગપુરા મ્યુનીસીપલ માર્કેટની સામે ભોયારામાં પેહલી કાર્ડ શોપ ખુલી, નામે “ફીલિંગ્સ” અને ત્યાં પેલા આઈ લવ યુ અને મિસ યુ અને બીજા ઘણા ઘણા પ્રકારના કાર્ડ્સ મળતા થયા પણ અત્યારે તો આ બધા પણ ગાયબ કાર્ડ્સની શ્રેણીમાં આવી જાય છે..
જો કે ટીંડર (ડેટિંગ એપ ટીંડર છે) ના જમાનામાં કોઈ એક બીજાને કાર્ડ આપે તેવી આશા પણ ના રાખી શકાય..!
પણ યાર એ જમાનો હતો, જયારે આપણે કાર્ડ વાંચતા ત્યારે એમાં કાર્ડ લખનારના મોઢા દેખાતા અને ક્યારેક શબ્દોમાં લાગણી છલકાતી અને પ્રેમની તો વાત જ શું કરવી..!!
કોલેજ નો જમાનો અને એ દિવસોમાં કોઈ છોકરીનું કાર્ડ અને લાંબુ લાંબુ લખ્યું હોય એવું કાર્ડ હાથમાં આવે અને અમારા જેવા ચાર પાંચ નાલાયકો ભેગા થઇને વાંચે..રામ..રામ..રામ
યાર શું દિવસો હતા..!
જો કે હું એ મામલામાં બહુ બદનસીબ રહ્યો છું, મેં ક્યારેય પણ જે કોઈ ને કાર્ડ્સ આપ્યા છે એમાં ફક્ત ટુ યુ ફ્રોમ મી લખેલું રેહતુ કારણ હતું મારા ખરાબ ભયંકર અક્ષર..!
મારા પોતાના કેસમાં તો ઘણી બધી વાર એવું થતું કે હું પોતે જ મારું લખેલું વાંચી નોહતો શકતો..!
એવા ભયાનક ખરાબ મારા અક્ષરો..!
હા “લવગુરુ” થઇને લોકો ને હું કાર્ડ્સ લખાવતો ચોક્કસ..!
હું બોલતો જાઉં અને મારો એકાદો “લવચેલો” એની “એ” ને કાર્ડ લખે..!
ભલું થાજો આ કી બોર્ડનું કે હું અત્યારે પાછલા પિસ્તાલીસ વર્ષનું લખી લખીને સાટું વળી રહ્યો છું..!
અક્ષરની અને કીબોર્ડની વાત નીકળી છે તો ..થોડીક આડવાત ..
થોડા દિવસ પેહલા એક સરસ વોટ્સ એપ મેસેજ આવ્યો
“આખી જિંદગી માસ્તરો એ અક્ષર સુધારવા માટે સોટી મારી મારીને આંગળીઓ લાલ કરી નાખી અને જિંદગી હવે કી બોર્ડ પર જાય છે..”
એકદમ મારા માટે જ બનેલો મેસેજ ..!
મારા એક માસ્તર સાહેબ ડાહ્યાકાકા ..જે ૧૯૮૫માં રીટાયર્ડ થઇ ગયા હતા અને મને દાકતરના છોકરા હોવાને લીધે રીટાયર્ડ થયા પછી એમના ફુરસતના સમયમાં ભણાવતા..
એમનો એક જોરદાર ડાયલોગ હતો હમેશા મારા અક્ષરો માટે ..
અલ્યા શૈશવ આ તારા અક્ષર છે કે પાકિસ્તાનનું લશ્કર..? એકે ય લીટી સીધી જાય જ નહિ ?અને ક્યાં શું લડે એની ખબર જ ના પડે..! કોણ વાંચશે તારું આ પેપર ?અને શું માર્ક આપશે તને ? આના કરતા પેપર કોરું મુકીશ તો સ્વચ્છતાના માર્ક મળશે અને તું પાસ થઇ જઈશ..!
આવી આવી “મીઠી મધુરી” ગાળો ખાતો ખાતો હું ભણ્યો..
સ્કુલમાં હતો ત્યાં સુધી મારી ચોપડી અને નોટ ના કવર પર મારું નામ શૈશવ વોરા મિત્ર ગોપાલ લખતો અને કોલેજમાં વિસ્તૃત પટેલ લખતો ..
મારા આ બે મિત્રોની લખેલી નોટ્સ જ જિંદગી આખી વાંચી ,કેમકે ઘણી બધી વાર એવું થતું કે મારું લખેલું મને ના વંચાય અને ત્યારે માથું ખંજવાળતો હું મમ્મીને પૂછું કે મેં આ શું લખ્યું છે મમ્મી..? અને મમ્મી મારું લખેલું ઉકેલી કાઢતી ..કારણ એટલું જ કે એમને પપ્પાનું લખેલું વાંચવાની ટેવ ને..!
હમણાં જ બેંકમાંથી મેનજર ફોન આવ્યો હતો, શૈશવ સર થોડીક અમારી ઉપર મેહરબાની કરો સાહેબ તમારી સહીમાં બહુ જ ફરક આવે છે.. અમને બહુ તકલીફ પડે છે, તમારા ચેક રીટર્ન કરાતા નથી અને અમે હેરાન થઈએ છીએ રોજ RCC માંથી ફોન આવે છે..
સભ્ય ભાષામાં હજી પણ મને મારા ખરાબ અક્ષર માટે બહુ ગાળો પડે છે, પણ વર્ષોથી હું આવું બધું બધું સાંભળી સાંભળી ને ઢીટ થઇ ગયો છું..
પછી જીવનના બાવીસમાં વર્ષે શાસ્ત્રીય સંગીત શીખવાનું ચાલુ કર્યું પેહલા જ દિવસે મારા ગુરુ શ્રીમતી સરોજબેન ગુંદાણીએ મારી લખેલી પેહલી સરગમ જોઈ અને મારી નોટ મારી પાસેથી લઇ લીધી અને કીધું તું ફક્ત ગાવાનું રાખ તારી સરગમ અલંકાર બધું હું તને લખી આપીશ..વીસ વર્ષે હજી પણ એમના લખેલા અલંકારો મેં જીવની જેમ સાચવેલા છે..!
મારો કોલેજ નો એક મજાનો કિસ્સો
કોલેજના જમાનામાં એક મેમ મારા ખાસ ફ્રેન્ડ થઇ ગયા હતા..મમ્મી પપ્પાના પેશન્ટ અને એકદમ દીકરાની જેમ મને સાચવે પણ એમની સાથે વાતો કરવામાં બધી છુટ્ટી.. લગભગ પ્યોર ફ્રેન્ડશીપ..
કોઈ સારી છોકરી દેખાય અને મને ગમે તો હું MSc પાર્ટ –I માં હતો અને FYની છોકરી હોય અને મારા ફેવરીટ મેમનો લેકચર SY માં હોય તો આપણે બિન્દાસ્ત FYના ક્લાસમાં જઈને બેસવાનું અને મેમ બેસવા પણ દે..અને પછી પાછળથી મારી લેબમાં મને પૂછી પણ લે કઈ મેળ પડે એવું છે..?
અને કોઈ છોકરી જોડે અઠવાડિયું સળંગ ફરતો દેખાઉં તો તરત પૂછે મુકતાભાભી ને વાત કરું..? એટલે એટલામાં મારે સમજી જવાનું કે ભાઈ લીમીટમાં રેહ્જે નહિ તો ભરાઇશ..! મમ્મી સુધી વાત જતી રેહશે..!
એકદિવસ લેબમાં મારી જર્નલ જોતા જોતા એ મેમ એકવાર મને કહે ગાંધીજીએ કીધું છે ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે..!
મેં કીધું એટલે મેમ તમે કેહવા શું માંગો છો ગાંધીજીની કેળવણી તમે કરી હતી.?
એકદમ ભવાં ચડાવી અને ચશ્માં ઊંચા કરીને એ બોલ્યા એટલે તું કેહવા શું માંગે છે ? મેં નફફટ હાસ્ય વેર્યું એટલે એ બોલ્યા ..આવ હવે મારી પાસે હું તને કેવો ભણાવું છું..એમનું મોઢું ભારે થઇ ગયું..
મેં કીધું ..અરે મેમ આટલું તો ચાલે ને, મસ્તી કરતો હતો સોરી બસ, હવે આટલામાં રીસાવાનું ના હોય, પણ તમે જ કહો ગાંધીજીના પોતના અક્ષરો તો કેટલા બધા ખરાબ હતા કે નહિ..?
મેં એમની ઉપર કટ મારેલી એટલે જરા ભારમાં હતા એટલે મેં ફરી પૂછ્યું ગાંધીજીના પોતના અક્ષર ખરાબ હતા કે નહિ..હા કે ના?
મારી જર્નલના પાના ફેરવતા એ બોલ્યા હા.. તો શું ?
મેં કીધું એનો મતલબ થયો કે એમની કેળવણી અધુરી રહી ગઈ કેહવાય ને..? એટલે ચશ્માંમાંથી ઉંચી નજર કરીને મને કહે.. હા પોઈન્ટ .. એ થોડા નોર્મલ થયા એવું લાગ્યું એટલે મેં ફરી એમનો વારો પાડ્યો મેં કીધું ..મેમ તો તો એ નક્કી તમારી જોડે જ ભણ્યા હોય..!
અને પછી તો મેમની જે કમાન છટકી છે..નાલાયક નહિ કરું આ તારી જર્નલ સાઈન કરીને બુમ આવી.. અને હું નફફટ જર્નલ એમની પાસે મૂકીને હસતો હસતો ફટાફટ ઉભો થઇને ભાગ્યો..!
મારા ખરાબ અક્ષરના ગુન્હાને છુપાવવા આવા બધા ઘણા હથકંડા કરતો..
પણ હકીકત છે કે ખરાબ મારા અક્ષરોએ મારી લાગણીઓને અને વિચારોને રૂંધી નાખ્યા..
ખરાબ અક્ષરને લીધે શું ગુમાવ્યું એનો હિસાબ તો ક્યારેય નથી કર્યો પણ આજે આ કીબોર્ડે મને બહુ જ બધા લોકો ની નજીક લાવી દીધો છે..!
ઘણી બધી મર્યાદાની વચ્ચે જીવતા આપણે શબ્દોથી લાગણીઓને જિહ્ વાથી વાચા ચોક્કસ આપી શકીએ છીએ, પણ જયારે મનમાં ચાલતી વિચારોની અવિરત ધારાને કોઈના સુધી પોહ્ચાડવાની હોય ત્યારે તો કાગળ અને પેન જ જોઈએ, ભલું થાજો કીબોર્ડનું કે હું મારા વિચારોને લેપટોપમાં ઉતારી શક્યો અને ત્યાંથી ઈન્ટરનેટ અને બ્લોગ..
લખવાની યાત્રા ચાલુ છે આ દિવાળીએ નવી વાર્તા તમારી સમક્ષ મુકવાની ઈચ્છા છે, તમારા પ્રેમ અને લાગણીએ સાહીઠ પાનાની “સાયકલ મીટીંગ” ને બસ્સો સિત્તેર પેજ સુધી લઇ જવા માટે મને મજબુર કર્યો..સિત્તેર હજાર વ્યુ થયા…અને હવે “સાયકલ મીટીંગ” પ્રિન્ટીંગમાં જઈ રહી છે.
પોતાના અક્ષરો ના વાંચી શકનારો શૈશવ વોરા એશી હજાર શબ્દોવાળી “સાયકલ મીટીંગ” થી લેખક થયો..!
નવી વાર્તાનું નામ છે “થાર થી છોર”
જલદી આપીશ ..
આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા