ડેરા સચ્ચા સોદા ચુકાદો..
અત્યાર સુધીમાં અસંખ્ય વાહનો સળગાવી નાખ્યા અને પંચકુલામાં કર્ફ્યું નાખવો પડ્યો..આખુ ઉત્તર ભારત દેહશતમાં આવી ગયું છે..
કૈક યાદ આવે છે ? સાબરમતીમાં પણ આવો જ ખેલ પડ્યો હતો..? ધરપકડ કરવા પોલીસ ગઈ હતી ત્યારે ..!
આખા આખા સામ્રાજ્ય ઉભા થઇ જાય છે..અને લોકતંત્ર ઊંઘતું જ રહે છે,કાયદો અને વ્યવસ્થા સાચવવા અને સંભાળવા એ જેમની “જવાબદારી” બને છે એ લોકોને જયારે એમની સત્તાને પડકારે એવડા “મોટ્ટા” સામ્રાજ્ય ઉભા થઇ જાય અને કોઈક બાબા “રાજ” કરવા લાગે ત્યાં સુધી “સાંધો” પણ મળતો નથી..!
પણ આ બધાની વચ્ચે એક પાયા નો સવાલ થાય કે કોઈ પણ બાબા તમારી ઉપર “રાજ” કેમના કરી જાય? અને કોઈ બાબા માટે જનતા જીવ આપવા સુધી કેવી રીતે તૈયાર થઇ જાય ?
સ્વતંત્ર ભારત ,પરતંત્ર ભારત, અખંડ ભારત..ભારતનો ગમે તે સમય કે કાળખંડ લઇ લ્યો..છેક સતયુગ, ત્રેતાયુગથી એક પરંપરા ચાલી આવે છે કે ઘેર કોઈ “બાવાજી” આવે એમને જે માંગે તે આપી દેવાનું..
મહર્ષિ વિશ્વામિત્ર ભરી રાજસભામાં આવ્યા અને રામ લક્ષ્મણને લઇ ગયા..!
કેવો અતુટ વિશ્વાસ ..??!!!
જેના વિરહ પ્રાણ છોડાવે એવો વ્હાલો રામ “એમને” સોંપી દીધો..!
“ભગવા” ધારણ થાય એટલે ઋષિ,મહર્ષિ ,બાબા ,બાપજી..
રાજા તો રાજા, અને પ્રજા નો એકપણ વર્ગ બાકી નહિ..
સ્વીકારી લીધું છે કે મારા કરતા તમારી પાસે વધુ “જ્ઞાન” છે,અને તમારી આજ્ઞા અમારે પ્રાણથી વધારે..!
એ જ ત્રેતાયુગમાં “ભગવા” વેશ ધરીને ઉભેલાને “ભિક્ષા” આપવા માટે લક્ષ્મણરેખા ઓળંગવી પડી..અને જે થયું એ સર્વવિદિત છે..!
યુગો યુગો થી આ બે રૂપ છે ભારતીય સમાજમાં “ભગવા” ના..
અને ત્રીજા રૂપમાં ક્યારેક કાવતરા કરીને “મેનકા”ને મોકલી અને “ભગવા” ને “ચલિત” કરવામાં આવે..!
કોઈક આશ્રમમાં સ્વીમીંગપુલ કેમ હોય ? કોઈક આશ્રમનું પોતાનું આર્મી કેમ હોય?
લગ્નની પેહલી રાત્રે કોઈક ની દીકરી પુત્રવધુ બને,કોઈકની બેહન પત્ની થાય અને એને તદ્દન ત્રાહિત વ્યક્તિ પાસે “હલાલા” કરવા કેમ જવાનું..?
ત્રાહિત વ્યક્તિ કોણ હોઈ શકે એ તમારી શુદ્ધબુદ્ધિ પર મુસ્તાક છે..
એક કિસ્સો..
એક મિત્રને ઘેર એક અઠવાડીયાથી તૈયારી ચાલી રહી હતી ઘેર “પધરામણી” થવાની હતી..છેવટે એ “મંગલ” ઘડી આવી “પધરામણી” થઇ..સામૈયા થયા આખા ખાનદાનની સ્ત્રીઓ આરતી ઉતારી, ભાવતા ભોજન પીરસાયા.પધરાવેલાની નજર મારા મિત્ર પર પડી..અભાગીયો પુરુષનો અવતાર, બેવકૂફને એ પણ સમજણના પડે કે “પધરાવેલા” ની નજરમાં એ “વસી” ગયો છે, બસ્સો માણસનો જમણવાર પત્યો ચાર વાગ્યા વિદાયની ઘડી આવી.. આજ્ઞા થઇ રૂડારૂપાળાને મુકવા મોકલો..
બાપા ખુશ ખુશ મારો લાડકા પર આશીર્વાદ વરસ્યા.. વાહ વાહ..!
ગાડી અમદાવાદથી પચાસ કિલોમીટર આગળ ગઈ, લાડકો પણ મોજમાં ગાડી ચલાવે,ચાલુ ગાડીએ “લાડકા”ની જાંઘ ઉપર અચાનક હાથ ફરવા લાગ્યો..સેહજ અજુગતું લાગ્યું ,વિરોધ કેવી રીતે થાય..? પેટ છાતી અને છેલ્લે …
ગાડીને અચાનક બ્રેક મારી હાઈવે પર સાઈડમાં કરી ઉતરી અને બીજી સાઈડનું બારણું ખોલ્યું ..ખેંચી કાઢ્યો બહાર અને ગાલ પર બે રસીદ કરી અને કચ્ચ્ચીને એક લાત મારી પડ્યો ખૂણામાં..
ગાડી મારી મૂકી .!!.
લાડકાને વેહલો ઘેર આવેલો જોઇને બાપા અચરજમાં કેમ આટલો જલ્દી ?
એક રૂમમાં બાપ દીકરો એકલા અને સેહજ પણ શરમ રાખ્યા વિના “લાડકા” એ આખી કહાની કહી દીધી..તરત જ બે કલાક પેહલા થયેલા અને પૂજામાં મુકેલા “પગલા” કચરાની ટોપલીમાં અને ફોટા સળગાવી મુકવામાં આવ્યા..!
કેમ આટલો બધો વિશ્વાસ મુકાઈ ગયો હતો ? દીકરાની બદલે દીકરીને મોકલી હોત તો ? અત્યારે તો બાપ એકલો પસ્તાય છે, કેમકે એ એકલો જ જાણે છે કે પધરાવેલા એ શું કારસ્તાન કર્યા હતા..દીકરાની જગ્યાએ દીકરી હોત તો..?
આખું ખાનદાન પસ્તાતું હોત..!
અને આ તો જોરુકો, ભરાડી સાંઢ હતો, જરૂર પડ્યે હાઈવે ઉપર ગાડીમાંથી જેકનો સળીયો પેહરાવીને આવે એવો..એટલે સાંગોપાંગ પાછો આવ્યો
કઈ “લાલચ” હતી પધરામણી કરવા પાછળ ?
સ્વર્ગની કામના ? કરેલા પાપોના ભારમાંથી મુક્તિ ? બહુ સારા માણસ છે અને ફલાણા જાય છે એટલે એમની સાથે હું પણ જાઉં છું, મનને ખુબ શાંતિ મળે છે..
નગરી નગરી દ્વારે દ્વારે ભટક્યો પણ “એ” તો ના મળ્યો પણ એના “એજન્ટે” “અનુભૂતિ” આપી એટલે મેં એની પધરામણી કરાવી..??
અનેકો અનેક સવાલો થી આજે ભારતનો સમાજ પીડાઈ રહ્યો છે, બહુધા વર્ગ હમેશા બાવા સાધુને પોતાના ઘરથી હંમેશા “દુર” જ રાખે છે, સાચા સાધુ ને શોધવા માટે ભારતનો જનસાધારણ આજીવન વલખા મારતો રહે છે,માંડ લાખે કે કરોડે ક્યાંક કોઈક એકાદને અનુભૂતિ કે સાક્ષાત્કાર થાય છે અને બાકી બધા જ સાથે “ધોખો” થાય છે..
અને એ “ધોખો” એટલો મોટો હોય છે કે એનું મન માનવા જ તૈયાર નથી થતું કે મારો “બાબો” પણ મારી જેમ માટીનો બનેલો છે,અને એક માસ “હિસ્ટીરીયા” પેદા થાય ના મારા બાબાજી તો આવું કરે જ નહિ એને ખોટી એને ફસાવવામાં આવ્યા છે એ તો “સંત” જ છે..
અખૂટ વિશ્વાસ તૂટે,પણ સ્વીકાર કરતા અત્યંત તકલીફ પડે છે..
બહુ જ વાર લાગે “એમાં”થી બહાર આવતા..સદીઓ ની સદીઓ ચર્ચા ચાલે આપણા ઘણા બધા પ્રાચીન મધ્યયુગ અને અર્વાચીન ગ્રંથો કાવ્યો મહાકાવ્યોમાં સાધુત્વ ના ઓઠાં હેઠળ થયેલા ઘણા “કારસ્તાનો “ વર્ણવવામાં આવ્યા છે..
ભય,ભૂખ,નિંદ્રા અને મૈથુન ચાર સંજ્ઞાઓ લઈને જન્મેલો મનુષ્ય ક્યારેય એમાંથી બહાર આવી શકતો નથી, કોઈક ખુલ્લેઆમ કબુલે કોઈક દબાતે સ્વરે અને કોઈક છાનુછાપનું..પણ ક્યાંક તો સ્ખલન હોય..જ
કોઈક પોતાની જાતને વાક ચાતુર્ય અને દલીલોથી પોતાને મુઠી ઊંચેરો સાબિત કરવામાં સફળ નીવડે..અને ધીમે ધીમે એનું સામ્રાજ્ય જામે..!
સાધુ એટલે ઈશ્વર ની નજીક અને હું એટલે પામર,પાપી..આ માનસિકતામાંથી સમાજ બહાર આવી શકતો નથી..બસ પછી આવા આવા દોહાનો સહારો લેવાય
ગુરુ ગોબિંદ દોનો ખડે કિસકો લાગુ પાય
બલિહારી ગુરુ આપકી ગોબિંદ દિયો બતાય
શું ખરેખર સાચા ગુરુ સાધુ ને કોઈ ચેલાની જરૂર હોય છે ? અત્યારની આશ્રમ પરંપરા એ પ્રાચીન પરંપરા ને અનુસરે છે ?
તાકાત હતી એકપણ ઋષિ મુનીની કે પ્રજાને ભડકાવી અને રાજ્યસત્તાને ચેલેન્જ કરી શકે..?
આજે રાજ્યસત્તા અને ધર્મસત્તાની ગંદી જુગલબંધી ઉત્તર ભારતને સળગાવી રહી છે, કાળા વાદળની રૂપેરી કોર ભારતનું ન્યાયતંત્ર છે, જરૂર પડ્યે બીજું ,ત્રીજું કે ચોથું ઓપરેશન બ્લ્યુ સ્ટાર કરવું પડે તો કરવું પડે, પણ પેરેલલ ચાલતા સત્તાના કેન્દ્રોને કોઈપણ સંજોગોમાં દુર કરવા જ રહ્યા..ઉખાડી ફેંકવા જ પડે.
ભસ્માસુર હંમેશા એના જન્મદાતાને જ ભસ્મ કરે છે, સાચા કે ખોટા “ભગવા”ને સહારે આવેલી સત્તા પર આવેલી સરકારને એનો પોતાનો ઉભો કરેલો “ભસ્માસુર” આજે “ભસ્મ” કરવા ઉભો થયો છે..
કાલે દિલ્લી “સળગી” તો ભયાનક પરિણામો ભોગવવા તૈયાર રેહવું પડશે આખા રાષ્ટ્ર એ..!
ખરા સાધુ,સંત અને સમાજે રસ્તા પર આવવું પડશે લોકો ને સમજણ અને હૈયાધારણ આપવી પડશે..“મોહ” અને “માયા” નો ત્યાગ કરવામાં ખરેખરો સાધુ કે સંત સમુદાય (અહિયાં સાધુ સંત સમાજ શબ્દ વાપરી શકાય નહિ, કેમકે સમાજ છૂટે તો જ સાધુ થવાય) જો ઉણો ઉતરશે તો વિધર્મીના આક્રમણ કરતા વધારે નુકસાન હિંદુ સમાજને કેહવાતા જેલમાં બેઠેલા “સાધુ-સંત” કરશે..!
આજ ના ભારતનો ભણેલો ગણેલો યુવાન આજે થયેલા આખા કિસ્સાથી આહત છે, બળાત્કારના આરોપી માટે આટલું “બધું” ?
સાચા સાધુએ એકાંત નો ત્યાગ કરીને બહાર આવવું પડશે..અને ભગવા પાછળ છુપાયેલી સરકારે ભગવાના ડાઘ ને મિટાવીને..
સબ કો સન્મતિ દે ભગવાન
શુભ રાત્રી
શૈશવ વોરા