સોમવતી શ્રાવણી અમાસ ગઈ અને ભાદરવો બેઠો..આજથી રામાપીરની નવરાત્રી ચાલુ વર્ષ ની ચાર નવરાત્રી ગણાય છે મહા અને ભાદરવાની નાની નવરાત્રી અને ચૈત્રી અને આસોની મોટી નવરાત્રી..
દિવાળી માથે આવી ને ઉભી છે,અને બજારોની બેન્ડ વાગેલી છે,ગઈસાલ દિવાળી પછી તરત જ અતિઉત્સાહમાં “નોટબંધી” કરી અને જતાં જતા આ વર્ષે “ જીએસટી” ..!
અક્કરમી ના પડીયા કાણા..!
એમ દિવાળી લગભગ અગિયાર મહિનામાં પાછી આવી ગઈ છે, સરકારી આંકડા જે આવે તે, પણ અત્યારે તો મેન્યુફ્રેચરીંગ ક્ષેત્રે વાટ લાગેલી પડી છે,મોટા મોટા શેઠિયા “રાડ” પાડી ગયા છે કે રૂપિયાની સાયકલ ફરતી નથી..
અને એમાં શેરબજાર “ગોથા” ખાય છે,અમદાવાદી ભાષામાં કહું તો પતંગની “ફૂલ” દોરી છોડીએ અને પછી ભાર એટલો વધી જાય અને પતંગ જોડે પતંગ ચડાવનારો પણ દોરી ફીરકી પકડીને આખા ધાબામાં આઘોપાછો થાય અને બીજા બધાને નડે, છેલ્લે પતંગ “લોટે”..એમ અત્યારે શેરબજાર “લોટે” છે..અને બધા ને નડે છે,
જેમને પતંગબાજી નો “લોટે” શબ્દનો અર્થ ના ખબર હોય તો થોડું એક્સ્પ્લેન કરવાની કોશિશ કરું..બહુ હવામાં પતંગ જાય પછી ઘણીવાર પતંગ ડાબે થી જમણે ગોથ મારે અને એકદમ નીચે આવે અને પાછો સીધો થઇને એકદમ ઉપર ચડે..આ પ્રક્રિયાને અમે અમદાવાદી પતંગ નું “લોટવું” અને પતંગ ને “લોટણીયો” કહીએ ..અને પતંગ એકવાર લોટવાનું ચાલુ કરે પછી દોરી કાપીને જવા જ દેવો પડે નહિ તો આંગળીઓ કપાઈ જાય..!
બસ એમ જ બિલકુલ શેરબજાર “લોટણીયુ” થઇ ગયું છે,એક દિવસ “મૂર્તિ” નો “સિક્કો” પડી જાય એટલે બજાર ગોથ મારીને જાય સીધું નીચે, અને અને બીજા દિવસે “મૂર્તિ” ખિસ્સામાંથી “સિક્કા” કાઢીએ એમ બોલે ચલ..ચલ..ભાવ બોલો..ચલો..ચલો ,. લાવ.. ઘરમાં હોય એટલો “માલ” બહાર કાઢો… અને પાછુ બજાર સડસડાટ ઉપર આવે..!
બીજે દા`ડે પેલો ચીનો કૈક “હળી” કરે એમાં શેરબજારનું ધોતિયું ઢીલું થાય અને પાછા કૈક બીજા ફન્ડામેન્ટલ્સ મજબુત થાય..!
આ બધામાં નાનો ઉદ્યોગકાર અને નાનો વેપારી હેરાન પરેશાન થઇ ગયો છે,માંડ કરીને જીએસટી ના રજીસ્ટ્રેશન લીધા અને હવે જેટલી સાહેબના વચન પ્રમાણે જે ત્રીજું રીટર્ન એણે જિંદગીમાં ફાઈલ નથી કરવાનું એ એણે આ મહીને કરવાનું છે.. ટોટલ “વચનભંગ”..
અને પેહલું અને બીજા રીટર્ન માટે વેબસાઈટના ઠેકાણા નથી..! વીસમી ઓગસ્ટ છેલ્લી એમ કરી કરીને બધાને મેસેજીસ ઠોક્યા,બીવડાવ્યા હવે ૨૫મી ઓગસ્ટ છેલ્લી અને એ પછી શું ? તમારા ઠેકાણા નોહતા તો શું “લૂમ” લેવા અડધી રાતે ટકોરા પાડી પાડીને જીએસટી લાવ્યા ..?
નોટબંધીમાં તો જેટલી સાહેબ ખસી ગયા,અને નરેન્દ્રભાઈ ને રડી રડીને કામ આગળ ધકેલવું પડ્યું ..તે હે જેટલી સાહેબ આ ફે`રી જીએસટીમાં પણ નરેન્દ્રભાઈ ને રડાવશો..? અલ્યા દેશના પ્રધાનમંત્રી છે એમ વરહમાં પાંચ સાત વખત એમણે તમારા વાંકે પોક એમણે મુકવાની ? જરાક લાજો હવે..!!
હજી ૨૦૦ રૂપિયાની અને ૫૦ રૂપિયાની નવી નોટો લાવે છે..
અરે રે સાહેબ હવે તો આ પ્રધાનમંડળની “ફાટેલી” નોટો બદલો બાપા તો અમે “હખે” જીવીએ..!
બજારો સાવ ખાલીખમ પડ્યા છે, ક્યાય દુર દુર સુધી “ઘરાકી” નથી..નોરતા સરખા જાય તો સારું..બાકી એમાં પણ વરસાદ જે રીતે મચ્યો છે એ જોતા નોરતા કાઠા રે`શે, અને આખા ઉત્તર ગુજરાતના અને કચ્છના ખેતરાં હજી પણ પાણીથી લબાલબ ભરેલા પડ્યા છે,એ રીતે વરસાદ છેક કારતક સુધી કેડો નહિ મુકે એમ લાગે છે, ખેતરાંના પાણી જરાક તડકો વધ્યે હવામાં ઉડશે અને ભેજ વધશે એટલે પાછો ખાબકે..એ સાયકલ ચાલ્યા જ કરે.. લીલો દુકાળ જાહેર કરવાનો સમય આવી ગયો છે, ઝટ કરો બાપા, રૂપરડી ૫૦૦ કરોડે તો ઢોરાં ને ઘાંસ પણ નહિ પોહચે..
જો`કે આજે હોલીવુડ ઉર્ફે ગુલબાઈ ટેકરો રંગબેરંગી થઇ ગયો છે,ત્યાં “તેજી” દેખાઈ રહી હતી, હજ્જારો ગણપતીની સફેદ મૂર્તિઓ ઉપર આજે એકસાથે તડામાર કલરકામ ચાલી રહ્યું છે નજરો મસ્ત હતો અને રાત પડ્યે આજે ખટારા લાગી જશે બસ છેલ્લા બે ત્રણ દિવસ છે “માલ” વેચી મારવાના..!
પર્યુષણ જાય છે, પચખાણ લેવાઈ ગયા છે અને તપસ્યાઓ ધૂમ છે..૨૭ મી ના પારણાં ના ઇન્વીટેશન આવી ગયા છે.,કાલથી “સાતા” પુછવા ના રાઉન્ડ ચાલુ થશે..!
હજી તો લોકો તમાચો મારી ને ગાલ લાલ રાખી રહ્યા છે ,ખરી “ખબર” દિવાળીએ આવશે જયારે જનતા મોલમાં ઘૂસે ખરી અને આખો દા`ડો મોલમાં ભટકી અને કોથળી હાથમાં લીધા વિના બહાર આવે ..! એકલા “ફૂટફોલ” એ મેળ ના બેસે..!
સ્વાઈન ફ્લ્યુ ની જેમ બધું કાબુ બહાર લાગે છે,લશ્કર ક્યાં લડે છે એની જ ખબર નથી અને છાપાવાળા સ્વાઈન ફ્લ્યુ ને પેહલે પાને લાવતા જ નથી, ગોરખપુરમાં છોકરાં મર્યા એ છાપો પેહલે પાને,ચીનાઓ જોડે બથ્થમ બથ્થા આવ્યા છાપો પેહલા પાને ,ટ્રેઈન ઉથલી યુપીમાં છાપો પેહલા પાને અલ્યા એચ૧એન૧ થી કેટલા બધા ગુજરાતી મર્યા એ કેમ આગળ નથી લાવતા ? મોઢામાં મગ ભર્યા છે કે બસ્સો ની નોટો ?
જનતા ને જગાડશો તો જનતા બચવા નો પ્રયત્ન જનતા જાતે કરશે અને એ જ આગળ પડશે ,આ તો ઉકાળા પીવડાવે સરકાર અને એના ફોટા છાપે છે,
અલ્યા ત્યાં શેહરમાં વીજળીઘરની બહાર કોઈએ સ્વાઈન ફ્લ્યુ સે બચાને કી દુવા એમ કરી ને કૈક પાટિયું માર્યું હતું, આપણે પણ કોઈક બાવા જોડે મંતર લખાઈ લાવો “અભણો” ..!
ટેમીફ્લ્યુ લાવો બજારમાં અને કેમિસ્ટો પાસે, ઉકાળા પીવડાવે “મેળ” પડે..?
એક નવા સ્વાઈન ફ્લ્યુ “માતા” પણ બનાવી દયો હવે..!
બસ કરો યાર “એપીડેમીક” જેવી હાલત છે, ત્યારે “પૃવન” વસ્તુ વાપરવી પડે,જે મરે છે એ કોઈનો બાપ,ભાઈ ,પિતા અને પુત્ર છે,
શા માટે ઉકાળા ,દુવા અને મંતર આવા બધા રિસ્ક લ્યો છો ? સીધી ટેમીફ્લ્યુ નું વિતરણ કરો ને..છૂટથી બજારમાં ટેમીફ્લ્યુ મળે એમ ગોઠવો,દસ દુકાને ફરો તો એક દુકાને નથી મળતી..
શ્રધ્ધાને ઠેસ ના પોહચાડીએ, પણ કોઈકનો જીવ લઈને જાય એવી શ્રધ્ધાને અંધશ્રધ્ધા જ કેહવાય,દવા અને ઈલાજ નોહતો માટે શીતળા માતા બનાવી અને એના શરણે ગયા, અને જ્યારે દવા મળી છે તો માતાજી ભલે બેઠા દવા તો લઇ જ લઈએ ને..
ઉકાળા પીવડાવા હોય દુવા કે મંતર કરાવી હોય તો કરો,પણ જોડે દવા અને પ્રીકોશન લેવડાવો, કચરાના ઢગલા ઉપાડો અને રોડ ના ખાડા પૂરો જેથી એમાં ભરાઈ રહેલા પાણીમાંથી સ્વાઈન ફ્લ્યુ પછી ડેન્ગ્યુંના વારા નાં આવે..!
જે કોઈ છે એ માણસ છે અને માણસાઈ ના ભુલશો સાહેબો..!
વધુ ખમવાની કેપેસીટી નથી રહી, થાક્યા છીએ..સમજો તો સારું બાપલીયા..
“પ્રયોગો” અને “બાબા” ઓ નો અંત લાવો પ્લીઝ..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા