લ્યો ત્યારે હવે ૨૦૦ની અને ૫૦ રૂપિયાની નવી નોટો બજારમાં આવી ગઈ..!
મારું બેટું મોદી સરકારે બીજું કઈ કામ કર્યું કે નહિ,પણ એક પછી એક નવી “નોટો” જબરી બજારમાં ફરતી કરી દીધી..!
પેહલા બે હજારની અને પાંચસોની અને હવે બસ્સોની અને પચાસ ની..!!
હવે હજાર, સો અને દસીયા નો વારો ક્યારે કાઢે છે એ જોવાનું રેહશે..!
આ જુદા જુદા કલરની નવી નવી નોટો જોઇને મને હું પરદેસમાં ફરતો હોઉંને એવી ફીલિંગ આવે છે..
દસ-બાર દિવસમાં બે-ત્રણ કન્ટ્રી ફરવાના હોય અને એવા સમયે ફરજીયાત દરેક દેશની કરન્સી ને પાકીટમાં ઘાલી રાખવાની હોય, અને હજી જે દેશમાં ઉતર્યા હોઈએ એની કરન્સીના કલર અને આંકડાથી ફેમીલીઅર થઈએ એ પેહલા તો દેશ છોડવાના વારા આવે..
એટલે સખ્ખત ધ્યાન રાખવું પડે અને એમાં જયારે રોકડે થી ખરીદી થતી હોય ત્યારે એક એક નોટ ને ઝીણવટપૂર્વક જોઈ જોઇને આપવી પડે, કેમકે સો ની બદલે હજારની કે પચાસની જતી રહે તો ગડબડ,
બીજી મોટી તકલીફ એ હોય કે જે તે દેશે નોટ ની અડધી જગ્યા તો તો પોતાની ભાષા થી ભરી મૂકી હોય,એટલે પેહલા તો નોટમાં આંકડા શોધો મગજમાં સેટ કરો પછી વ્યહવાર ચાલુ થાય, અને દર વખતે નોટોની આપ-લે કરતા બહુ જ ધ્યાન રાખવુ પડે..!
મારી એક ટ્રીપ કરન્સીમાં મામલે બહુ ખતરનાક રહી હતી ,સિંગાપોર ,હોંગકોંગ મકાઉ અને શેનઝેન..દસ-બાર દિવસની ટ્રીપ હતી અને અમે બા-દાદા, ટેણીયાઓ સહીતના બે “કમ્પ્લીટ” ફેમીલી “સેટ” લઈને ફરવા નીકળ્યા હતા,
“હોશિયારી” તો એટલી બધી વાપરી હતી કે આખી ટ્રીપ જાતે એરેન્જ કરી હતી એટલે બા-દાદા અને બચ્ચાઓની ડીમાંડ પૂરી કરતા કરતા અમારા તો ગાભા નીકળી ગયા હતા.. અને ખિસ્સામાંથી તો ધોધ જતો..!
અહીંથી જોડે અમેરિકન ડોલર લીધા, થોડા યુરો અને બ્રિટીશ પાઉન્ડ ઘરમાં પડ્યા હતા તો એને પણ જોડે પર્સમાં ઘાલ્યા, જરૂર પડ્યે કામ લાગશે..લાખ બે લાખની દેશી આઈએનઆર (રૂપિયા) નોટો લીધી..એટલે અમદાવાદ એરપોર્ટ છોડતા પેહલા જ ત્રણ દેશની કરન્સી પાકીટમાં ભરાઈ ગઈ હતી..!
હોન્કોંગ એરપોર્ટ પર હોંગકોંગ ડોલર,શેનઝેન પર ચાઇનીઝ,મકાઉમાં મકાઉ ડોલર,અને છેલ્લે સિંગાપોરમાં સીન્ગા ડોલર..!!
છેલ્લે સિંગાપોરમાં મુસ્તુફા મોલમાં તો મગજ ફરી ગયું હતું, પાછલા સાત આઠ દિવસોમાં ત્રણ ત્રણ જુદી કરન્સી વટાવી વટાવીને..!
કોઈ જ ટુર મેનેજર હતો નહિ એટલે અમે ત્રણ છોકરા જ ટુર મેનેજર..હોટેલો એરપોર્ટ પીકઅપ ડ્રોપ આપે પણ બાકીનું બધું જાતે કરવાનું હતું..અને ટોટલ પંદર જણ..આખી રાતના ઉજાગરે એરપોર્ટ આવે,બેલ્ટ ઉપરથી અમે ત્રણે લગેજ ઉપાડીએ અને ટ્રોલીઓ પર લોડ કરીએ,પાંચ ટેણીયા ઊંઘતા હોય એટલે બા-દાદા ઓ અને એમની મમ્મીઓ એમને ઊંચકી અને એમના વહીવટ કરતા હોય,અમે સામાન બહાર કાઢી અને એરાઈવલ પર બહાર આવીએ અને પછી તરત જ બસ્સો પાંચસો અમેરિકન ડોલર વટાવી ને જે તે કન્ટ્રીની કરન્સી લઈએ..
બસમાં હોટેલ પર આવીએ અને સમાન રૂમ પર મુકીને પેહલું કામ પીવાના પાણીની બોટલો હોટલ ની બાજુની કોઈક હાઈપર માર્કેટમાંથી લેવાનું કરીએ, થોડા ફ્લેવર્ડ દૂધ, કોફીના ટીન ઘાલીએ અને પેહલીવાર કરન્સી વાપરીએ અને પછી ચાલુ થાય ટેક્ષી,સાઈટસીન અને અમારા પાંચ “છોટા રાક્ષસો”ના પડીકા ફૂડના ખર્ચા..
રાત પડતા પડતા તો થાક ની ઊંઘ પણ એવી જોર આવે અને છેલ્લે ડિનર ના ચુકવતા તો આંખો ફાડી ફાડીને એક એક નોટ જોઈ જોઈને અને ગણી ગણી ને આપીએ અને લઈએ..!
વેલકમ ટુ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ એમેડાબાડ..આઉટ સાઈડ ટેમ્પરેચર ઈઝ..જયારે આવું હવાઈ સુંદરી(એરહોસ્ટેસ નું ગુજરાતી કર્યું છે) બોલ્યા ત્યારે સાત કન્ટ્રીની કરન્સી પાકીટમાં હતી..!
જે ટ્રાન્ઝેક્શન અહિયાં દેશમાં સહજ રીતે કરતા હોઈએ અને ભાગ્યે જ એક કે બે મિનીટ જતી હોય એમાં ચાર,ચાર-પાંચ,પાંચ મિનીટ ઓછામાં ઓછી જાય..
સામેવાળો “બુચો” આપણી સામે જોયા કરે કે કેમ આટલો ચીકણો છે આ..?
પણ યાર ચીકાશ કરવી પડે, પ્રોબ્લેમ ત્યાં છે કે આપડો રૂપિયો બધા થી નાનો, એક પણ નોટ ખોટી વધારાની ભૂલમાં જાય તો મોટી નુકસાની પડે..
પેલા ટોપાના એની ક્યાં હમજણ હોય હે..? આપણે જયારે બીજી કરન્સીને હાથમાં લઈને વાપરીએ ત્યારે એક વિચિત્ર ફીલિંગ આવતી હોય છે અને જોડે જોડે મગજમાં કેલ્ક્યુલેટર ચાલતું હોય, એને રૂપિયામાં કન્વર્ટ કરવાનું..
આપણને આપણા દેશની કરન્સીની એટલી બધી આદત થઇ ગઈ હોય છે કે લગભગ આંખો ની બદલે આંગળીના ટેરવાં જ નોટને જોતા થઇ ગયા હોય છે,
હજી પેલી જૂની હજારની કેસરી એ પાંચસોની લીલી જેટલી “પોતાની” લાગતી હતી એટલી “માયા” આ નવી બે હજાર અને પાંચસો ની નથી બંધાણી..
બે હજારની નોટ તો “ઓરમાઈ” લાગે છે અને ભેગી કરતા પણ બીક લાગે છે સાલું ગમે ત્યારે “મિત્રો…” આવી જાય અને બંધ થઇ જાય તો..!
ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલા ઓછા સમયગાળામાં નવી ચાર ચાર નોટો નથી આવી..
અત્યારે ચાર નવી અને છ જૂની એમ ટોટલ દસ નોટો ચલણમાં ચાલી રહી છે, હવે કઈ કઈ એમ..? તો ગણાવી દઉં.. એક રૂપિયાની (ભલે જોવાના મળે પણ છે ખરી) બે રૂપિયાની ,પાંચ ,દસ ,પચાસ અને સો રૂપિયાની જૂની નોટો અને બે હજાર ,પાંચસો ,બસ્સો અને પચાસની નવી નોટો..થઇને ટોટલ દસ નોટો..!
ચલણી નોટો બદલવાના ઈતિહાસમાં જોઈએ તો બ્રિટને છેક ૧૯૭૪માં બધું દસના ગુણાંકમાં લાવ્યું હતું ,બહુ ઓછા દેશો છાશવારે પોતાની કરન્સી બદલે છે અમેરિકાવાળા એમના પ્રેસિડેન્ટના મોઢા બદલે છે પણ ઓવરઓલ બધું એક સરખું જ રાખે છે..
ઈન્ટરનેટ પર સૌથી વધારે પૂછાતો સવાલ એવો છે કે રાણી એલીઝાબેથ બીજા મરી ગયા તો બ્રિટીશ પાઉન્ડની નોટો કેટલા સમયમાં બદલાશે?
ક્યારેક તો એવું લાગે કે સાલી આખી દુનિયા રાહ જોઇને બેઠી છે કે મા`ડી ક્યારે ઢબે..!
પણ પેલા સવાલ નો જવાબ એવો છે કે એકલો બ્રિટીશ પાઉન્ડ નહિ લગભગ પંદર દેશોની કરન્સી બદલવી પડશે, અને બ્રિટીશ સંસદે છાનામાના નવી ડીઝાઈન તૈયાર રાખવી છે..
મારા બેટા આપણા કરતા હોશિયાર તો ખરા , હજી રાણી જીવે છે અને નવી નોટની ડીઝાઈન તૈયાર રાખી છે અને અહિયાં તો..રડી રડીને અડધા થઇ જાય કે “બાપા ધીરજ રાખો હું તમારી તકલીફ જલ્દી દુર કરી દઈશ..! “
હશે ત્યારે..!
સોમવારે બેંકો ખુલે એટલે જરા જોર મારીશું કે અલ્યા બસ્સો અને નવી પચાસની બે પાંચ તો લાવી આપો અમને..!
દર્શન તો કરીએ..!!!!!!!!!!!!!!!
એક જોક ફરતો થઇ ગયો છે ,
ભેગા ભેગી ૫૧,૧૦૧ ,૨૫૧ ,૫૦૧,૧૦૦૧ની પણ છાપી નાખો હવે ચાંલ્લા કરવામાં બહુ તકલીફ પડે છે..
બહુ ડાહ્યો બહુ ખરડાય ..
શુભ રાત્રી
શૈશવ વોરા