Navratri vacation
નવરાત્રીનું આખ્ખું વેકેશન…!!!!!
એ હા ..એ હા ..હે રૂડે ગરબે રમે રે દેવી અંબિકા રે ..
આવી આસોની રઢીયાળી રાત રે..પગલાં પાડોને બિરદાળી માં ..
અલ્યા આ શિક્ષણમંત્રીએ એ તો ભર અષાઢે આસો લાવી દીધો..!!
ક્યાંથી આવી આટલી બધી હિંમત ..? આ “સેક્યુલર” સરકારમાં ..??
ગજબ ડીસીશન લીધું હો..!!
*સાલું ચાલીસ ચાલીસ વર્ષથી અમે તરસતા હતા કે કોઈક અમને નવરાત્રીનું વેકેશન આપે અને અમે બિન્દાસ્ત ગરબે ઘૂમીએ, ત્યારે આજે છેક અમારા છોકરાઓના નસીબ ખુલ્યા…!!*
*ધન્યવાદ દિલ થી…!!!*
અને હા કોઈ બહુ કકળાટ માંડે કે ભણવાનું બગડે અને આમ ને તેમ, તો ભાઈ સીધું કહું તો નિશાળો અને કોલેજમાં ભણવા માટે છે જ નહિ,
ખોટું નથી કેહતો ..
*જો નિશાળો અને કોલેજો ભણાવતી હોત તો આટલા ટ્યુશન કલાસીસ ક્યાંથી ખુલ્યા ..?*
*ભારતભૂમિમાં નિશાળો અને કોલેજો કરતા ટ્યુશન ક્લાસ વધારે છે એનો મતલબ જ થયો કે નિશાળ અને કોલેજ નામની સંસ્થાઓ નિષ્ફળ છે..*
એટલે ખોટા ડિસ્કશન નો મતલબ નથી..
પણ મને એમ થાય કે છેલ્લા ત્રેવીસ ત્રેવીસ વર્ષથી “હિન્દુવાદી સરકાર” અને તો પણ આ નિર્ણય છેક અત્યારે કેમ ..?
લોર્ડ મેકાલે ની શિક્ષણ પદ્ધતિને પાણી પી પી ને શિબિરો અને બેઠકોમાં કોસવામાં આવે છે પણ હરામ છે કે ઋતુઓ સાથે આજે પણ તમારા શૈક્ષણિક વર્ષને જોડી શક્યા હોવ..
તસુ ભાર ફેરફાર કરી શક્યા નથી એકેય શિક્ષણ સંસ્થામાં, અને બેઠકોમાં “રુદાલી”ઓ લોર્ડ મેકાલેના નામના છાજીયા લીધા કરે છે…
બીજી પણ એક વાત..આજકાલ માતૃભાષાના સંવર્ધનના વાયરા વાયા છે ,સંસ્કૃતિ ને જાળવવાની વાર્તાઓ થાય છે બેઠકોને શિબિરોમાં..!!
ભાઈ મારા .. શેનું સંવર્ધન અને કઈ સંસ્કૃતિ હેં …???
અત્યારે એક ગરબો વગાડતા વગાડતા બ્લોગ લખી રહ્યો છું…
અંબા તું મોરી માવડીને રમવા આવો ને રાત..
બોલો છે તાકાત …?
રાત ની રાત રમવા ની…???!!!!!
હે ઝીણી સવારીએ માવડી આયા ચોસઠે જોગણીને સંગે લાવ્યા ..
હે ભલે પધાર્યા મોરી માં હો ખમ્મા પધાર્યા મોરી ..
અંબા તું મોરી માવડીને રમવા આવો ને રાત..
*માં ને ચરણે માથું ઝુકાવા ઈલેક્શન હોય ત્યારે પોહચી જવાય છે, અને એ જ માં ના ગરબે ઘૂમતા લાખ લાખ પગને સીટીઓ મારી મારી ને અને લાકડીઓ પછાડી પછાડીને રમતા અટકાવી દેવાય છે..*
ચાલો ચાલો બંધ કરો બાર વાગી ગયા ..
કોણ છે ઓર્ગેનાઈઝર ?
ચાલો ઢોલ સ્પીકર બધું કબજે લઇ લ્યો, અને એઈ તું ને`કળ હેંડ હેંડ અને સીધો ઘર ભેગો થજે …
કઈ સંસ્કૃતિનું સંવર્ધન કરો છો હેં ભાઈ…?
ખબરના હોય તો યાદ કરાવું કે દ્વારિકાના ધણીના પૌત્ર પ્રદ્યુમ્ન ના દીકરા અનિરુધ્ધ ની પત્ની ઉષા માતા પાર્વતી પાસેથી આ ગરબા નામની કલા શીખી અને આ ગુર્જર ભૂમિ ઉપર આવ્યા અને અહીના નર નારીને ગરબા શીખવાડ્યા છે..
હવે અભણ, સેક્યુલર ઢોર ..પ્રદ્યુમન અને અનિરુધ્ધ અને કૃષ્ણ કોણ એમ..?
તારું કઈ ના થાય..!!
ગરીબ ની જોરુ સબ કી ભાભી…
*હવે આટલી હિંમત કરી છે તો પછી રાતની રાત રમવાની પણ છુટ્ટી આપી દેજો અને નવ દિવસ પેલી પાર્કિંગવાળી વાર્તા પણ થોડી ધીમી પાડી, અને આંખ આડા કાન કરી લેજો..*
ભાઈ, આ નવ દિવસ જ છે જિંદગીમાં કે જ્યાં જોબન હેલે ચડ્યું હોય છે, અને હા પેલી કોન્ટ્રાસેપ્ટીવ ના વેચાણ ના વધારાની વાર્તા ના કરતા .. ગામ હોય ત્યાં ઉકરડા હોય
સાડા છ કરોડમાંથી અઢી ત્રણ કરોડનું યુવાધન હેલે ચડ્યું હોય ત્યારે થોડુંઘણું ક્યાંક કૈક ખૂણે ખાંચરે થાય..
ક્યારેક છાપા વાળા એવી વાત છાપે એવી રીતે કે જાણે બધું ય “એવું” જ હોય..
જબજસ્ત ફેશન છે હિંદુ તેહ્વારોને બદનામ કરવાની..
પેહલા પણ લખી ચુક્યો છું અને ફરી લખું છું.. *મુંબઈમાં લાલબાગના રાજાનું વિસર્જન લગભગ પરોઢે ત્રણ પછી જ થાય છે ..*
*છે તાકાત રોકવા ની ..? પેલો બાર વાગ્યા વાળો કાયદો ..??*
અહિયાં બધું ઢીલું ભાળી ગયા છે ,અને પોચું દેખાય છે એટલે જતો આવતો બધાય ખણી લ્યે છે..
બિચારો ગુર્જર નર…!!
ખરેખર ગુર્જર નર બિચારો છે..
બીજાના વિચારોમાં એટલો જલ્દી મોલ્ડ થઇ જાય કે એને એમ જ લાગે કે નવરાત્રી એનો તેહવાર હતો જ નહિ, ગણપતિ જ એનો તેહવાર છે..!!
અલ્યા ગણપતિ ઉજ્વ, કોઈ ના નથી, પણ નો`રતા માટે થોડો ફૂંફાડો રાખ નહિ તો તારું તારા હાથમાંથી જતું રેહશે અને બીજું કઈ રેહશે નહિ…!!
ભદ્રકાળીના ગરબામાં પાંચ પચ્ચીસ માંડ હોય છે..જાગજે લ્યા જાગજે હિંદુડા..! ગરબા રમવા જાગ..!
લગભગ છેલ્લા પચ્ચીસ વર્ષથી સમય ની “પાબંધી” ગરબા ઉપર એવી રીતે મૂકી દેવામાં આવી છે કે જાણે બાર વાગ્યા પછી ગરબા રમવા એ બહુ મોટો ક્રાઈમ છે, અને આ બાર વાગ્યે ગરબા બંધ કરવાના કાયદે એક આખી ઢીલીઢાલી પેઢી ને જન્મ આપી દીધો છે..
*લગભગ સવારો સવાર રમાતા ગરબા એ ઈતિહાસ થઇ ચુક્યો છે..*
*કેવી રમત થઇ છે નહિ આપડી જોડે ..બાર વાગ્યા સુધી ગરબા રમો તો તમે સમજુ નાગરિક અને બાર પછી ગરબા રમો તો તમે ગુન્હેગાર..!!*
ક્યા સમાજની રચના કરી ? ક્યા સમાજનું નિર્માણ કર્યું ..?
કઈ સંસ્કૃતિનું સંવર્ધન કર્યું ..?
*આપણા તેહ્વારો જ તો આપણું જીવન છે,જીવનનો રસ છે..*
*તેહવાર એ હિંદુ સમાજનો આત્મા છે..*
કોઈ જ આમંત્રણ વિના કરોડોની સંખ્યામાં કુંભના મેળે પોહચી જતો આ જનસમુદાય..
કોઈને પણ હેરાન કર્યા વિના પોતાની મનની મોજમાં રેહતો હિંદુ ..
લગભગ છેલ્લા પચ્ચીસ વર્ષથી જેમ સરકારો નચાવે તેમ નોરતામાં નાચી રહ્યો છે..એક સમયે મુંબઈમાં તો રાત્રે સાડા દસે પુર્ણાહુતી કરાવી દેવાઈ હતી..!!
ઘણું ય લખ્યું છે આ કાળા કાયદા વિશે અને લખતો રહીશ..
હું તો નહિ જ માનું એટલે કોઈ ખોટ્ટી દલીલો કરશો નહિ..
મમ્મી કહે છે કે તું ભાદરવાની અમાસે જન્મ્યો છે અને માસીની હોસ્પિટલમાં મારા રૂમની નીચે જ ગરબી હતી ,એટલે જન્મીને બીજી રાતથી તે નવે નવ રાત ગરબા સાંભળ્યા છે..
એટલે થોડામાં ઝાઝું સમજજો ..
કેટલા ગરબા અને ગીતો ,રાસ..!!!
ભગતો થી લઈને લોકગાયક,બોલીવુડ સિંગર ..કોના નામ લઈએ અને મુકીએ..
કેટ કેટલું લખાય..
પણ સાહેબ ખરેખર વિચારજો યાર….
આપણા તેહ્વારોને કોઈ ને કોઈ રીતે મારી નાખવાનું કાવતરું થતું હોય એમ નથી લાગતું..?
માં અંબા ભવાની સૌને સદબુદ્ધિ અર્પે, શરૂઆત મારાથી કરે …
શુભ રાત્રી
શૈશવ વોરા