શરદઋતુ આગળ વધતી જાય છે અને દિવસો ટૂંકા થતા જાય છે સાંજના છ વાગ્યે તો રાત પડી જાય છે, થોડા થોડા વાદળા દેખાયા આજે સવાર સવારમાં અને માવઠાની બીક લાગી અને મનમાં બોલાઈ ગયું ભગવાન પડ્યા પર પાટું ના મારતો..ઉભા મોલે માવઠું..!
એમાં અત્યારે મેસેજ ફરતા થયા ૨૮મી એ મમતા બેનર્જીને સપોર્ટ ના કરતા..!
અલ્યા ભઈ શું છે આ બધું..?
એક વાત તો કેહવી પડે કે નરેન્દ્ર મોદીનું નસીબ ગજબ પાવરફુલ છે.. હું હમેશા કહું કે શત્રુ વિનાશ નહિ,પણ શત્રુની બુદ્ધિનો વિનાશ થવો જોઈએ અને એટલું થાય ને તો બાકીનું કામ આપો આપ થઇ જાય..
અને અહિયા તો એવો સીન છે કે વિપક્ષમાં ક્યાય બુદ્ધિ દેખાતી જ નથી,એટલે બુદ્ધિ વિનાશની જરૂર જ નથી..આટલો સ્ટ્રોંગ મુદ્દો છે પણ સાવ વાહિયાત પ્રદર્શન અને આવી નોટબંધી મનમોહન સરકારે કરી હોત તો ..?
જવા દો નથી વાત કરવી નોટબંધીની..!
એકની એક વાત આખો દિવસ ,અને સળંગ દસ દસ દિવસથી કરી કરીને એક વિચિત્ર ફીલિંગ આવી ગઈ છે જીવનમાં, અચાનક ક્યારેક એવું લાગે જીવનમાં કે સાવ એકલા છીએ,જાણે દુનિયામાં આજુબાજુ કોઈ નથી અને હવે શું થશે..? કેમ રેહવાશે ? કેમ જીવાશે?
અજાણ્યો ભય,જેનું અસ્તિત્વ જ નથી એ હેરાન કરે..!
સતત કઈક અમંગળની એંધાણી લાગ્યા કરે અને આ બધામાંથી છૂટવા છેવટે હાથમાં મોબાઈલ લઈને બેસી જવાનું..! અને મોબાઈલમાં પણ એનુ એ જ.. છેલ્લા બે દિવસમાં મોબાઈલમાં આંગળી ફેરવતા હમણાં એક શબ્દ આવ્યો ફેસબુક ઈકોનોમિસ્ટ..
ફેસબુક ઈકોનોમિસ્ટને શું ખબર પડે..?
મારું મન વિચારે ચડી ગયું..હું પણ ક્યારેક ફેસ્બુકીયા અને વોટ્સ એપિયા શબ્દ વાપરી લઉં છું..ક્યારેક લખું છું કે મોબાઈલમાંથી મોઢું કાઢો..
પણ યાર કેમ નથી નીકળતું મોબાઈલમાંથી મોઢું..?
આપણે ખરેખર કોઈક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કે છુપાવવા માટે મોબાઈલમાં મોઢું ઘાલી દઈએ છીએ..?
આદત પ્રમાણે ભૂતકાળમાં ગયો, પેહલાના જમાનામાં પણ ઘણા બધા લોકો આવું જ કૈક કરતા..કેટલાક જુના પોળના કાકાઓ યાદ આવ્યા,ધોતિયું અને બંડી પેહરીને બેઠા હોય હાથમાં છાપું લઈને,અને કાકીનો કકળાટ ચાલુ થાય..આખો દિવસ મેગેઝીન અને છાપામાં મોઢા ઘાલીને બેઠા રે છે આ તારા કાકા..કોણ જાણે એવું તે શું આવે છે આ છાપામાં અને ચોપડીઓમાં(મેગેઝીન)..
કાકા બિચારા કાકીના કકળાટથી બચવા છાપામાં મોઢું ઘાલી રાખતા..!
ગમે તે કરો પણ વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ જ ફેર પાડવાનો નથી એટલે છાપામાં મોઢું ઘુસાડેલુ રાખો..!
જો કે ત્યારે પણ કેટલા બધા એવા લોકો પણ હતા કે જેમને છાપાના શબ્દ શબ્દ ચાવી જવાની ટેવ હતી, હજામની દુકાને પડેલા મેગેઝીન સુધ્ધાની લીટીએ લીટી વાંચી લેવાની..પણ આ બધાથી એક ફાયદો ચોક્કસ હતો દુનિયાના કકળાટથી અલિપ્ત થઇ જવાય..અને જવાય બીજી દુનિયામાં..મોબાઈલમાં મોઢું નાખો કે છાપામાં..
બહુ નાનપણથી વાંચવાનો કીડો મારા મનમાં ઘૂસેલો છે,જે ચોપડી હાથમાં આવે તે ચાવી જવાની અને એમાંથી કૈક પકડી લેવાનું..અને વાંચતા વાંચતા દુનિયાથી અલિપ્ત થવાનું અને મારી આજુબાજુ બીજા પણ એવા અઢળક લોકો હતા કે જેમને ખરેખર વાંચવું એ એમનો ખોરાક હતો,અને કોઈકને “વ્યસન” પણ ..
અને એમાંના કેટલાક એ તો વ્યસનને ચરસ ગાંજાની જેમ આગળ વધારી અને બિલકુલ ટ્રાન્સમાં ખોવાઈ જતા અને હકીકતની દુનિયાથી સાવ દુર નીકળી જતા ..(જેમ અત્યારે આપણે ફેસબુક અને વોટ્સ એપમાં ખોવાઈ જઈએ છીએ તેમ જ)
વાંચતા વાંચતા ટ્રાન્સ જવાનો અને ખોવાઈ જવાનો મારો એક અનુભવ લખું..
હરકિસન મેહતાની નવલકથા પીળા રૂમાલની ગાંઠ કોલેજના જમાનામાં મેં બે દિવસ સળંગ વાંચી,અને હું બિલકુલ એ પાછલી સદીમાં પોહચી ગયો હતો, જબરજસ્ત ખૂનામરકી અને એ જમાનાના બધા વર્ણન..
બીજા દિવસે સાંજે જયારે પીળા રૂમાલની ગાંઠ પૂરી થઇ અને રીતસર ઉલટીઓ થઇ મને,અને આખા ઘરમાં હું એકલો હતો, ભયાનક બીક ઘુસી ગઈ મારા મનમાં એટલે લેચ કી ઉપર ઘર મૂકીને દોડ્યો મિત્ર નાગેશ બેલસેરે પાસે..
હું હકીકતની દુનિયાથી દુર થઇ ગયો હતો અને અમીરઅલી ઠગના જમાનામાં પોહચી ગયો હતો મને પીળા રેશમી રૂમાલની બીક લાગવા માંડી હતી..!
નાગેશને મેં પકડ્યો અને ગભરાટમાં હું બોલ્યો એ નાગલા મને મહાદેવ લઇ જા જલ્દી..નાગેશ ગભરાયો શું થયું છે કેમ રેસ્ટલેસ છે તું આટલો બધો..? મેં કીધુ એ બધુ મુક ચલ મહાદેવ..
આવી જ શિયાળાની સાંજ એણે મારી પાસેથી બાઈકની ચાવી લઇ લીધી અને મને બાઈકની પાછળ બેસાડ્યો રસ્તામાં હું બાઈક પાછળ આંખ બંધ કરીને બેસી રહ્યો..
અમે પોહ્ચ્યા લો ગાર્ડન સમર્થેશ્વર મહાદેવ સદભાગ્યે આરતી ચાલુ હતી..આખી આરતી આંખો બંધ કરીને હું ઉભો રહ્યો,શંખ,ઝાલર,ઘંટ અને ઢોલ નગારાના નાદની સાથે આરતી થઇ અને આરતી પૂરી થયે મહારાજે પાણી છાંટ્યું મારી ઉપર, આંખ ખુલી મનનો ભાર થોડો હળવો થયો..થોડો હું રીલેક્સ થયો મંદિરની બહાર આવ્યો પ્રસાદ લીધો નાગેશ બોલ્યો ચલ ગાર્ડનમાં,
બાઈક ને મહાદેવ પર જ રેહવા દઈ અમે ચાલતા ચાલતા લો ગાર્ડનમાં ગયા..અંધારું થઇ ગયું હતું એક બેંચ પર અમે બેઠા હું સુનમુન હતો..નાગેશે મારો હાથ પકડ્યો અને મને હલાવ્યો શું થયું છે બોલ, મેં કીધું કઈ નહિ ..નાગેશ મારી બે ચાર સ્ત્રી મિત્રોના નામ બોલ્યો કોલેજ નો જમાનો હતો કોઈની જોડે કઈ..અને મેં એને સંસ્કૃતમાં એક ગાળ આપી..
નાગેશ બોલ્યો તો પછી છે શું તારે ? કેમ આવો બઘવાઈ ગયો છે ?અને મેં ચાલુ કર્યું કે પીળા રૂમાલની ગાંઠ વાંચી અને એમાં હજારો લોકો ને અમીરઅલી ઠગ મારી નાખે છે, મેં ધીમે ધીમે એને વાર્તાનો ટુંકસાર કેહવાનું ચાલુ કર્યું રાતના દસ થઇ ગયા,નાગેશ વાર્તાના સારમાં ખોવાઈ ગયો..!
મારી જોડે નાગેશને પણ હું અમીરઅલી ઠગની દુનિયામાં ખેંચી ગયો..!
છેક મોડી સાંજના હું અને નાગેશ ગાયબ,મોબાઈલનો જમાનો નહિ ઘરે ચિંતા ચાલુ થઇ છેવટે બીજા મિત્રોની બાઈકના ઘોડા છૂટ્યા અમને શોધવા, બધાને ખબર કે આ બે તો મહાદેવ તો ગયા જ હોય, અમને “ઠગ ભગત” કેહવામાં આવતા, ક્યારેક મારી કોલેજમાં સાથે ભણતી અને હોસ્ટેલમાં રેહતી મારી બે ફ્રેન્ડ ત્યાં મહાદેવ આવતી,અને અમે એમની સાથે ક્યારેક મકાઈ કે બરફના ગોળા ખાઈ લેતા અને અમારી આવતી જતી પ્રજા અમને જોતી પણ નક્કી નોહતી કરી શકતી કે કોણ કોની ..!
છેવટે અમને બંને ને “ઠગ ભગત”નું ઉપનામ આપી દેવામાં આવ્યું હતું..
અમારા ભાઈબંધુઓ અમને શોધતા મહાદેવ આવ્યા, મારું બાઈક ત્યાં પડેલું જોયું અને અમે ના દેખાયા એટલે બધાના મગજમાં એક જ વિચાર આવ્યો સાલા બને જણા નક્કી પેલી બે જોડે ગાર્ડનના ખૂણામાં ક્યાંક ભરાયા હશે આજે તો રંગે હાથ પકડો હવે અને દસ બારની “દુશ્મનો” ની ગેંગ અમને રંગેહાથ પકડવા લો ગાર્ડનમાં ભમવા માંડી..
હું અને નાગેશ એક બાંકડે બેઠેલા હતા પીળા રૂમાલની ગાંઠ ચાલતી હતી…અને ગેંગ અમારી આગળ આવીને ઉભી રહી ગઈ પેહલો સવાલ ક્યાં ગઈ પેલી બે..? અમે બંને એકસાથે બોલ્યા કઈ..? ગાળાગાળી અમારી ઉપર થઇ, અનરાધાર ગાળોનો વરસાદ વરસ્યો ગાળોનો, એકપણ જણ માનવા તૈયાર નહિ કે વાર્તા વાંચીને હું પગલાઈ ગયો હતો અને અહિયાં હું વાર્તામાંથી બહાર આવવા માટે બેઠો હતો, ઘરે પોહ્ચ્યા બધાના મમ્મી પપ્પાઓ હાજર રાતના અગિયાર..
મેં મમ્મી ને કીધું મારું મગજ ભમી ગયું હતું આ પીળા રૂમાલની ગાંઠ વાંચીને એટલે હું અને નાગેશ પેહલા મહાદેવ ગયા ત્યાં આરતી કરી અને પછી લો ગાર્ડનમાં બેઠા હતા..
મારા સદનસીબે મમ્મીએ પીળા રૂમાલની ગાંઠ વાંચેલી હતી અને બીજા ફ્રેન્ડના મમ્મી પપ્પા એ પણ વાંચી હતી, એટલે એ લોકો મને સમજી શક્યા,અને ઠપકો આપ્યો કે આવી હોરર વાર્તા એક બેઠકે વાંચવાની ક્યાં જરૂર હતી?
પણ મારી ઉમરના મારા મિત્રો માટે અશક્ય હતું મને સમજવું, એમના માટે તો આજે પણ હું અને નાગેશ “પેલી બે ” જોડે જ બેઠા હતા..
બસ આ નોટબંધીની વાતો સાંભળી અને વાંચી વાંચીને આવું જ ફરી એકવાર મગજ ફરી ગયું છે,કહી કહી ને થાકીએ કે ભાઈ કઈ પ્રોબ્લેમ નથી તો પણ જતા જતા બોલે કઈ હોય તો કેહ્જે..
ફેસબુક પર તો એ જ, વોટ્સ એપ પર તો પણ એ જ..
યાર ત્રાસ થઇ ગયો છે આજે તો હું બેંકમાં આંટો મારવા પણ નથી ગયો આવતીકાલે બીઝનેસ મિત્રો જોડે લંચ ગોઠવી નાખ્યું છે..
દેશ નોટબંધીમાંથી બહાર આવતા આવશે પણ કૈક લોકોને ડીપ્રેશન જરૂર આવશે રૂપિયા હશે એને પણ અને નહિ હોય એને પણ ..!
ચાલો તમે બધા પણ નોટબંધીના આઘાત-પ્રત્યાઘાતમાંથી બહાર જલ્દી આવી જાવ હું પાછો હરકિસન મેહતામાં ખોવાઈ જાઉં..
જડ-ચેતનની તુલસી અને ચિંતન યાદ આવે છે…
શુભ રાત્રી
શૈશવ વોરા