રૂપિયા ની નોટ જોડે આપણને પ્રેમ કેટલો ..?
માંબાપ કરતા વધારે? બૈરી છોકરા કરતા વધારે ? ભાઇબેન કરતા વધારે ? જવાબ ખરો ?
૨૦૦૦ની નવી નોટ જોડે કેવી સેલ્ફી પાડી પાડીને મૂકી હતી..!
પણ આ સવાલ તો પેલા સવાલ જેવો સવાલ થયો
તમે તમારી પત્ની ને મારવાનું છોડી દીધું ?
અને તમારે જવાબ ફક્ત હા કે ના માં જ આપવાનો..!
આવા સવાલ નો જવાબ સત્પુરુષ ચોક્કસ આપી નહિ શકે, બિલકુલ આ સવાલ જેવી જ હાલત ઘણા બધાની થઇ છે આ “નોટબંધી” પછી,
લગભગ દરેક કુટુંબની એકાદી વ્યક્તિ પાસેથી ખૂણેખાંચરે થી છુપાયેલી હજાર અને પાંચસોની નોટો બહાર આવી રહી છે અને આટલી બધી નોટો કેમ ભેગી કરી ? એનો કોઈ જ જવાબ નોટો ભેગી કરનારી વ્યક્તિ આપી શકતી નથી..!
કાઠીયાવાડના નાના ગામમાં એક માડી “ફોલછેડા” કરીને નોટો ભેગી કરી.. કોઈ કે કીધું કાશીબા આ નોટો તો હવે બંધ થઇ ગઈ..! મા
ડી એ જવાબ વાળ્યો ઈ તો બેંકુ નવી દેહે..!
પોતાની પ્રાણપ્યારી નોટોને આજે બેંક ના હવાલે કરવાની આવી છે, દુઃખ તો થાય સ્વાભાવિક છે, પણ વધારે દુઃખ એટલે થાય છે કે નોટો ને બેંકમાં જમા કરાવી અને સામે નવી જલ્દી મળતી નથી..એટલે હાથ જરા બંધાઈ ગયા છે,
ગઈકાલે અમે અમારી આદત પ્રમાણે મધરાતે અમદાવાદની ચોકીદારીએ નીકળ્યા હતા,અમદાવાદના શાસ્ત્રીનગર જેવા ભરચક વિસ્તારમાં એક આમલેટની લારીવાળો, વેળા રાત્રે સાડા બારની અને એના શબ્દો સાહેબ દસ દિવસમાં એકપણ નવી નોટ કોઈએ વટાવી નથી મારે ત્યાં,અને આ શિયાળો તો અમે ખેંચી જઈશું પણ ઉનાળો તો નહિ ખેંચાય..!
નવી નોટ લગભગ બધાની પાસે આવી ગઈ પણ છૂટતી નથી..નાના વેપારીના ગલ્લામાં કે મોટા વેપારીની પાસે નવી નોટ આવતી નથી..મારી બેંકની બ્રાન્ચમાં દસ દિવસમાં ફક્ત એક જ નોટ નવી ૨૦૦૦ની જમા થવા આવી અને જૂની લગભગ ૧૩ કરોડની..!
હજાર અને પાંચસોની નોટ જોડે હતો એનાથી અનેક ગણો પ્રેમ અત્યારે ૨૦૦૦ની નોટ જોડે અચાનક જ દરેકને થઇ ગયો છે..!
અને પ્રેમ એટલે જરાય ઓછો વત્તો કે ફોર્મલ પ્રેમ નહિ , કે લવ યુ કહીને છૂટી પડવાનું પણ પેલો સાપને દોરડી સમજી અને પેહલે માળ ચડી જઈએ ને એવો આંધળો પ્રેમ થઇ ગયો છે ૨૦૦૦ ની નોટ જોડે..!
અત્યારે જો કોઈના ઘરની મધરાતે બેલ વાગે અને બારણે સાક્ષાત લક્ષ્મીજી અને જોડે શૂપર્ણખા પણ હાથમાં ૨૦૦૦ની નોટ નું બંડલ લઈને બંને જણા જોડે બારણે ઉભા હોય તો ૨૦૦૦ના બંડલ માટે શૂપર્ણખાને જનતા પેહલા ઘરમાં લઈ લે અને લક્ષ્મીજીને બહાર જ ઉભું રેહવું પડે..!
આવો પ્રેમ થઇ ગયો છે ૨૦૦૦ની નોટ જોડે આખા ભારતને
બહુ વિચારો અને મનોમંથન ચાલી રહ્યા છે નવી નોટ અને બેન્કિંગ સીસ્ટમ ભ્રષ્ટાચાર માટે પણ “કલિ” એનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યો છે..
ભ્રષ્ટાચારને ડામવા માટે ભ્રષ્ટાચારીઓની ફોજ લઈને નરેન્દ્ર મોદી નીકળ્યા છે, કેટલા સરકારી ઓફિસર દુધે ધોયેલા છે..?
સદીઓથી નોટો પાછળની ઘેલછા એ આ દેશને પતનની નવી નવી સીમાઓ દેખાડી છે અને જેનાથી સહન ના થયું એ ક્યાં તો લડતા લડતા મરી ગયા અને સહન કરી ગયા એ નમાલાનું જીવન સ્વીકારી અને જીવી ગયા..!
કાળુનાણું અને ભ્રષ્ટાચાર એનું મૂળ શોધો તો ફક્ત અને ફક્ત નોટો પ્રત્યે નો જ પ્રેમ, બાકી તો ફતન દિવાળીયાને નોટો કમાયા પેહલા ઉડાડવાના પ્લાનીગ થઇ ગયા હોય છે,
રાજા પરીક્ષિતે એમના રાજમાં ઘણો પ્રયત્ન કર્યો કે કલિ એમના રાજમાં ના પ્રવેશે પણ છેવટે કલિ સોનામાં સંતાયો અને મોહ જાગ્યો ..!
રૂપિયા અને નોટો સંઘરવી એ લગભગ બાળવાર્તાઓથી જ આપડા દિમાગમાં ઘુસાડવામાં આવે છે અને જેવી જેની ઓકાત,અને એ પ્રમાણે એના માબાપ અને આજુબાજુ નો સમાજ એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શીખવાડે કે “આટલા રૂપિયા” હોય તો મોજ પછી જિંદગી શાંતિ થી જીવાય..અને સમય જતા એ “આટલા રૂપિયા” એના જીવનનો ટાર્ગેટ બની જતો હોય છે
“આટલા રૂપિયા” એટલે કેટલા તો એમાં કોઈ કે પાંચ લાખ કોઈ ને દસ લાખ કોઈ ને કરોડ થી લઈને અબજો સુધી જાય આ “આટલા રૂપિયાની” વ્યાખ્યા, અને ઘણા કેસમાં “ આટલા રૂપિયા” કમાઈ લીધા પછી ખરેખર માણસ રીટાયર્ડ પણ થતો હોય છે,જો કે જ્યારથી આંતાલીયા બન્યો ત્યારથી ગુજરાતીઓની “આટલા રૂપિયા”ની વ્યાખ્યામાં આંતાલીયાની બાજુ નો પ્લોટ જ આવી ગયો છે..!
નોટબંધીએ બહુ માપમાં લાવી દીધા છે લોકો ને ,બર્ગરની બદલે દાબેલી ખાતા અને પબમાં પચાસ હજારના ટેબલ બુક કરીને બીયરના પીચર પીતી પ્રજાને ઘેર ફ્રિજમાંથી બીયરના ટીન કાઢીને બિયર પીતી કરી દીધી છે.
આજે રવિવાર ..
સાંજ જોવી હોય તો જો જો, પેહલા દરેક હોટલમાં ભિખારીની જેમ લાઈનમાં ઉભા રહીને રવિવારે તો ઘરની બહાર ખાતો ગુજરાતી નોટબંધી થી બીકુલ માપમાં આવી ગયો છે..ખીસામાં પડેલી ૨૦૦૦ની નોટને જબરજસ્ત રીતે જકડીને ઘેર જમીને આંટો મારવા જશે , હજી પેટ્રોલ પંપે જૂની નોટો ચાલે છે ત્યાં સુધી ઠીક છે પેટ્રોલ ભરવી ને આંટા મારશે,પણ જે દિવસથી એ બંધ થયું પછી ખેલ જો જો ..
ભારત બંધનું એલાન આપવાની જરૂર જ નહિ પડે..
દરેક રાષ્ટ્રને દર બે થી ત્રણ દસકા પછી આવો કોઈક સમય આવતો હોય છે જયારે રૂપિયો “પકડી” નહિ “જકડી” રાખવો ખુબ જરૂરી બને છે ,જમણેરી કેહવાતી નરેન્દ્ર મોદીની સરકારનું આ પગલું ડાબેરી કેહવાશે, કોઈપણ દેશને હમેશા બંને બાજુ ચાલવું પડે છે સામ્યવાદી ચીન ક્યારે મુડીવાદી થઇ ગયો એની દુનિયાને ખબરના પડી અને છતાં પણ એ સામ્યવાદી કેહવાય છે, જયારે આપણે સમાજવાદી માંથી મુડીવાદી અને ત્યાંથી આવા નોટબંધી જેવા પગલા લઈને ડાબેરી થઇ ગયા..!
હું હમેશા કહું છું એકલા નારંગીના રસ કરતા ગંગાજમના વધારે ભાવે, એમ જ અર્થતંત્રને જો એકલું મૂડીવાદ તરફ દોડાવો તો ખાટું લાગે અને ડાબેરી એકલું ગળ્યું ગળ્યું મોઢું ભાંગી નાખે એના કરતા નારંગી મોસંબી ભેગી કરીને ગંગા જમના બનાવો તો વધારે સેટ થાય ..
ડાબેરીને ગળ્યું કેહવા પાછળનો આશય બીજો કોઈ નથી પણ એટલું તો કેહવું જ પડે કે વીસ વર્ષના પશ્ચિમ બંગાળના જ્યોતિ બસુ ના શાસનમાં બસુબાબુ ઉપર ભ્રષ્ટાચાર નો એક પણ કેસ કે કિસ્સો નથી,
સમય તો છે ગમે ત્યાંથી નોટો શોધી શોધીને બેંકમાં ભરી દેવાનો પણ ક્યાંક બીક લાગે છે કેમકે રાષ્ટ્રીય બેંકો સિવાયની બેંકો ઉઠમણું કરી ગઈ તો..?
રાષ્ટ્રીય બેંકોની એનપીએ ભયંકર છે અને એમના હિમાલયથી મોટા ખાડા પુરવામાં મારી પ્રિય પ્રાણેશ્વરીની રાખ ઉપયોગમાં લીધી તો..? આવી બીકને લીધે નોટોને બેંકમાં ભરતી વખતે સ્વજનને સ્મશાને મૂકી અને લાકડાની સ્લીપ લેતા હોઈએ એવો એહસાસ થાય છે..!
નરેન્દ્રભાઈ બહુ મેહનત અને પાઈ પાઈ ભેગી કરીને એમાંથી બનાવેલી આ નોટોને અમે તમારી બેંકને સળગાવવા આપી છે, પાછી નવી નોટો ક્યારે આપશો ? આવો સવાલ પૂછવાની હિંમત નથી થતી પણ સાહેબ આ અમારા પરસેવાને જયારે રાખ કરો તો જોડે અમારા અરમાનોને પણ જેટલી સાહેબ રાખના કરી નાખે એનું ધ્યાન રાખજો અત્યારે બચત ખાતામાં જમા થયેલી નોટો માલ્યા અને રોયની એનપીએ ને સરભર કરવામાં ના વાપરી ખાશો..!
તમારા માટે શંકા નથી પણ ભારત સરકારના રાજમાં અમે “ઇન્સ્પેકટર રાજ” જોયેલું અને ભોગવેલું છે..!
માંડ છુટ્યા છીએ ફરી ના ભરવશો..!
અને હા કાશીબા જેવા કેટલાય માડી આ દેશમાં છે જેમણે ફોલછેડા કરીને અઢી લાખથી વધારેની નોટુ ભેગી કયરી હે ઈમનું કાંક જો
જો..
પદ્મશ્રીની લાલચમાં ઘણા છાપામાં લખતા લોકો બીજી બાજુ જોવા પણ તૈયાર નથી..!
રવિવારની સાંજ આપ ની શુભ રહે
શૈશવ વોરા