વીતેલું સુખ આજના દુઃખનું કારણ હોઈ શકે છે..કદાચ શક્ય છે..
વિતેલુ સુખ એક વહી ગયેલો સમય જેમાં “મન” વારે વારે ડૂબકી મારી મારી ને પોહચી જાય,પણ શરીર ત્યાંનું ત્યાં જ રહે અને થાય દુઃખની શરૂઆત..!
આમ તો સુખ અને દુઃખમાંથી બંનેમાંથી બચવાનો એક જ રસ્તો છે, જે મેહતા નરસિંહએ કીધો તે..
સુખ દુઃખ મનમાં ન આણીએ..
પણ એવું થતું નથી ગમે ત્યારે આ બે માંથી એક અવસ્થામાં ભરાઈ જવાય છે,
ભલે કદાચ સુખનું જીવન લાંબુ હશે પણ એની અવસ્થા બહુ ટૂંકી હોય છે..
સુખની અવસ્થા ક્યારે વીતી જાય એ ખબર જ ના પડે જયારે દુઃખનું જીવન ખુબ ઓછુ હોય છે પણ એની અવસ્થા ખુબ લાંબી હોય છે..!!
થોડું વધારે એક્સ્પ્લેઇન કરું એક ઉદાહરણ આપું..
જેમકે આપણને કોઈ ભાવતી ચીજ મળી ગઈ, લેટ્સ સે કે આપણને એક કેડબરી મળી.. કોઈકે આપી ..
હવે એ કેડબરી ખાવાથી સુખ મળી રહ્યું છે, તો એ કેડબરીને આપણે ખુબ ધીમે ધીમે અને શાંતિથી ચાવી ચાવીને એક એક ટુકડો રસપૂર્વક લાંબો સમય સુધી ચગળી ચગળીને ખાઈશું..!
અહિયાં “સુખનું જીવન” જ્યાં સુધી કેડબરી આપણા મોઢામાં છે ત્યાં સુધીનું છે..જેવી કેડબરી ગળાની નીચે ગઈ સુખનું જીવન સમાપ્ત,સુખ વીતી ગયું ભૂતકાળ થઇ ગયુ સુખ..અને સુખી હોવાની અવસ્થા ચાલુ..
કેટલી મિનીટ સુધી યાદ રાખી શકીએ એ કેડબરીનો ટેસ્ટ.. બે પાંચ મિનીટ અને પછી..? સુખી હોવાની અવસ્થા પણ પૂરી..!
પણ બસ “મન”ના એક ખૂણે નોટીંગ થઇ જાય કે કેડબરીનો ટેસ્ટ જોરદાર..અને એકદમ જડતાપૂર્વક “મન” એને પકડી લે કે કેડબરી નો ટેસ્ટ જોરદાર છે..
હવે ભૂલથી એકાદું ખુબ કડવું કારેલુ મોઢામાં આવી ગયું..તો કેટલી મિનીટ મોઢામાં ટકાવશો એ કારેલાને..? એક કે બે સેકન્ડ તો બહુ થઇ ગઈ, કારેલું મોઢામાંથી બહાર દુઃખનું જીવન પૂરું અને દુઃખી હોવાની અવસ્થા ચાલુ..અને કેટલી મિનીટનું કારેલાની કડવાશ યાદ રેહશે..?
જ્યાં સુધી “કેડબરીનો ટેસ્ટ” ના મળે ત્યાં સુધી..
વીતેલું સુખ એ આજના દુઃખનું કારણ ..
પેલું આપડું “મન” જેમાં નોટીંગ થયેલું છે કે કેડબરીનો ટેસ્ટ એટલે અફલાતુન..!
હવે કેડબરીની જગ્યા એ તમને જે ચીજ, ઘટના કે કાર્ય કરવાથી સુખ મળ્યું હોય તે મુકો, અને કારેલાની જગ્યાએ તમને જે દુઃખ મળ્યું છે એ મુકો અને વિચારો શું ખેલ કર્યો હતો તમે..?
તારણ એવું આવશે કે દુઃખનું “કારેલું” જે એક કે બે સેકન્ડમાં મોઢામાંથી થૂંકી નાખવાને બદલે એમાંથી “કેડબરી” નો ટેસ્ટ આવશે એમ માનીને એને ચગળ્યા જ કર્યું હતું, અને પછી આખું મોઢું (જીંદગી) કડવી(દુઃખી) કડવી(દુઃખી ) કરી નાખી..!
અને પછી છેલ્લે પરિણામ શું આવ્યું..?
તો કહે સુખની “કેડબરી” મળીને તો એ પણ કડવી લાગી..!
એટલે પેહલું કામ તો દુઃખને મોઢામાં રાખી ચગળી ચગળીને દુઃખનું જીવન મોટું કરવું એ જ સૌથી મોટું પાપ કે અપરાધ છે..એટલે જો દુઃખનું જીવન ટુંકાવ્યું હશે તો પછી દુઃખની અવસ્થાનું જીવન કેટલુ..? દુઃખની જેમ એ પણ ઓછુ થઇ જશે..!
મોટેભાગે જેને આપણે દુઃખ કહીએ છીએ એનું જીવન તો લગભગ એક કે બે સેંકડનું તો માંડ હોય છે, અને આ એક કે બે સેકન્ડના આયુષ્ય ધરાવતા દુઃખને એક લાંબી અવસ્થામાં ફેરવી અને આપણે કેટલું લાંબુ ખેંચીએ છીએ..?
આપણને મન થાય ત્યાં સુધી..! અને સુખ જેનુ જીવન ખરેખર લાંબુ છે એની અવસ્થાને આપણે બને તેટલા જલ્દી પૂરી કરી નાખીએ છીએ..!
અને એટલે સંસારમાં દુઃખીરામ ગલીએ ગલીએ મળશે અને સુખીરામ..?
દીવો, મીણબત્તી અરે ફલડ લાઈટ લઈને શોધશો તો એકાદો માંડ મળશે..!!
મોટેભાગે આપણુ મન ભલે એકાદ બે દિવસનું “પરમ સુખ” ક્યારેક પામ્યું હોય, હા એ “પરમ સુખ” પરનો આપણો અધિકાર હતો કે નહિ એ એક અલગ ચર્ચાનો વિષય છે, પણ એ એકાદ બે દિવસના સુખને યાદ રાખી અને નાના મોટા સુખને દુઃખમાં ફેરવી નાખે છે..
સાદી ભાષામાં કહું તો જુનું જુનું યાદ કરી કરી ને દુઃખી થાય..!
હવે અહિયા થોડું મનને કંટ્રોલ કરીએ કે એકલી “કેડબરી” નહિ પણ પચીસ પૈસાની ચોકલેટ પણ એટલી જ સારી લાગે અને તમે એ ખાઈને પણ કડવાશ મિટાવી શકો તો..?
એ વીતેલું “કેડબરી” ખાધાનું સુખ..! કદાચ એકદમ ભુલાઈ જશે અને “મન” નવું સુખ શોધશે..! અને નવુ સુખ પચીસ પૈસાની ચોકલેટ કે સાકરના બે દાણામાં પણ મળી જશે..!
સવાલ એ જ છે કે “મન” જકડીને પકડીને શું બેઠું છે..?
દુઃખ કે સુખ..? આ બંનેમાંથી ગમે તે વસ્તુ જડતાપૂર્વક પકડાઈ ગઈ એટલે પત્યું..છેલ્લે તો દુઃખનો જ વિજય થાય..!
અને એમાંથી બચવાનો સરળ અને સેહલો ઉપાય મેહતા નરસિહની જેમ સુખ દુઃખ મનમાં ન આણીએ..તો કોઈ જ પ્રોબ્લેમ નથી..
જેમ શરીરને લાગતી ઠંડી અને ગરમીએ એક માનસિક અવસ્થા છે એમ સુખ અને દુઃખ બંને સંપૂર્ણ માનસિક અવસ્થા છે..!
જેટલી જલ્દી નાની નાની વસ્તુઓમાંથી નાનો નાનો આનંદ લેતા થઇ જઈએ એટલુ સુખ વધારે..
બાકી તો આ બધી મનને મનાવવાની વાત છે..
બધું જ્ઞાન બધી બુદ્ધિ હોવા છતાં દુનિયાના મહાપુરુષો દુઃખી થયા તો આપણુ શું ગજુ ..?
માથે પડે તો ભોગવ્યે જ છૂટકો..અને બને એટલી
તાકાતથી એને ભગાવો ત્યારે જ એમાંથી છટકો..!
શુભ સંધ્યા
શૈશવ વોરા