દશેરાના વોટ્સ એપ શુભકામનાઓ અને જ્ઞાન લગભગ બધાને મળી ગયા હશે..મને પણ મળ્યા, સૌથી વધુ ઇન્ટરેસ્ટીંગ લાગ્યો પેલો મેસેજ
રાવણ થવું પણ ક્યાં સેહલું હતું..?
રામાયણના સંદર્ભમાં બહુ ગુઢાર્થમાં ના ઉતરીએ પણ સાદી સમજણથી વિચારું તો એવો સવાલ પેહલો એ જ થાય કે રાવણ બનવું પણ જો આપણને અઘરું લાગતું હોય તો આજનું આપણું વૈચારિક અને વ્યહવારિક સ્તર ક્યાં ગયું છે..?
કેમ રાવણ બનવું પણ અઘરું લાગે છે..?
કેમ એવું તો શું થયું જીવનમાં કે રાવણ પણ નથી બની શકાય એમ..?
એવી કઈ નપુંસકતા આવી ગઈ કે પછી શીઘ્રસ્ખલન ની બીમારી આવી ..?
કે પછી પારકું બૈરું કે ચીજ વસ્તુ જો હાથમાં આવી ગયું તો…તો તો પછી તો..!! આંખમાં સાપોલિયાં અને મનમાં વાસનાના અજગર ભરડા લઇ લ્યે છે..?
વિચાર તો જરૂરથી માંગી લે છે, જયારે એક જ મેસેજ તમને વીસ જગ્યાએથી મળે અને લખે કે રાવણ બનવું પણ ક્યાં સેહલું હતું..!
વિચાર તો કરવો જ રહ્યો, આપણા આજના સમાજના વૈચારિક સ્તર અને વ્યહવારિક સ્તરનો અને એ બંને વચ્ચેના અંતરનો..!
આ બંનેને આપણે ભ્રષ્ટ કરી નાખ્યા..!
આજે બિલકુલ ઈતિહાસમાં જવું નથી ફક્ત અને ફક્ત આજની જ વાત કરવી છે..
હંમેશા સાચું અને ખોટું એમ બે જ વાત હોય, છતાં પણ વચ્ચે ઘૂસ્યું અર્ધસત્ય ,કે પછી અર્ધસત્યને મારી મચડીને ઘુસાડ્યું ,પણ આપણે અહિયાં અટક્યા..?
ના નથી અટક્યા, બિલકુલ નથી અટક્યા,
સત્ય, અસત્ય અને અર્ધસત્યના રચાયેલા ત્રિકોણનો એક ચોથો ખૂણો પાડયો વ્યહવારિક..!
સમાજને આગળ વધતો રાખવા માટે વ્યહવારિક જીવનનો એક માર્ગ અપનાવ્યો અને સત્ય ,અસત્ય અને અર્ધસત્ય ત્રણે ને બાજુ પર મૂકી દીધા અને એ વ્યહવારિક જીવનને પાછુ નામ આપ્યું “વચલો રસ્તો”
તદ્દન જુઠ્ઠું નામ છે આ “વચલો રસ્તો” જેને આપણે “વચલો રસ્તો” કહીએ છીએ એને પેહલા જોર જબરજસ્તી કરીને એ માર્ગ પેહલા બનાવી લઈએ છીએ અને પછી એની ઉપર આપડી જાતને અને બીજાને આગળ જવાનું કહીએ છીએ, પણ એ તો હળાહળ નો રસ્તો છે..!
સત્ય અને અસત્યની વચ્ચે કોઈ રસ્તો હોતો જ નથી..સત્ય તો બહુ જ નાજુક ચીજ છે..એને જરાક પણ છેડો ને તો તરત જ અલોપ થઇ જાય અને પછી બચે એકલું કાળમીંઢ અંધારું જ્યાં અસત્ય વાસ કરે છે..!
ઊંડાં અંધારેથી પરમ તેજે તું..
“સત્ય” એ પરમ તેજ છે..!
પંચમહાભૂત, અગ્નિ,પૃથ્વી, જળ, વાયુ અને તેજ..!
આ “તેજ” સત્ય છે..!
ક્યાંય બહાર લેવા નથી જવાનું, પંચમહાભૂતના બનેલા શરીરમાં જ વાસ કરે છે આ સત્ય પરમ તેજ સ્વરૂપે..!
આપણે બહુ સિમ્પલ રીતે કહી દઈએ છીએ કે માટીનું આ શરીર..!
ખરી વાત ..
પૃથ્વીનું બનેલું આ શરીર અને એમાં જળ ,વાયુ અને અગ્નિ આવનજાવન કરે પણ એ જ શરીરની હંમેશા જે જોડે જ રહે છે, એ છે પ્રાણશક્તિ “તેજ” ,
જેનું બીજું નામ સત્ય..
અને માટીને સેહજ પણ અભડાવો એટલે ખાલી પ્રાણ જ રહે, પ્રાણશક્તિ રૂપે રહેલું તેજ અંતર્ધ્યાન થઇ જાય ..!
હવે આ માટીને કેટલી વાર અભડાવી..?
કઈ રીતે અભડાવી કે ક્યા સંજોગોમાં એ મહત્વનું નથી, પણ સત્યથી ચુક્યો એટલે ગયો, અને પછી અસત્ય જ બચે..! અર્ધસત્ય,વચલો રસ્તો વ્યહવારિક રસ્તો આ બધાની કોઈ જ જગ્યા નથી બચતી .. કેટલી વાર સત્યથી ચુક્યા..?
હવે બોલો રાવણ થવું અઘરું છે કે સેહલુ ..? સાવ સેહલુ છે,
પણ રાવણના સંયમનું નામ લઈને પોતાની જાતને ક્યાંક “સેટ” કરવી છે ,ગમે તેવો હતો રાવણ પણ પરમ શિવભક્ત હતો એવું કહીને ક્યાંક રાવણની નજીક જવું છે..!
રામ થવાની કેપેસીટી તો ક્યારની ગુમાવી દીધી, અને હવે રાવણ પણ નથી થઇ શકાતું એમ કહીને પોતાની જાતને નિર્માલ્ય નપુંસક જાહેર કરવાની ઉતાવળ લાગી છે..!
શું મળશે ? રાવણ પણ નથી થવાતું એવું કહીને..?
જવાબ છે ..લગભગ સમાજે નક્કી કરેલા તમામ નિયમો અને બંધનોમાંથી આઝાદી મુક્તિ..!
અને આ બંધનોમાંથી મુક્તિ મેળવવી એનો બીજો પર્યાય છે “નાગાઈ”
આજે હું તો “નાગો” માણસ છું એવું કેહવામાં ગર્વ અનુભવાય છે,
મારા કનકકાકા કેહતા “ જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ ”
“રાજ” કરવું છે અને બીજા પર “છવાઈ” જવું છે, અને એના માટે લાજ શરમ બધું જ બાજુ પર મુકવું પડે તો હું તૈયાર છું પણ રાજ કરવું છે.. છવાઈ જવું છે..! અને એના માટે આ અસત્ય કે જુઠું કે લાજ કોરાણે મુકવી એ બધી તો બહુ જુની વાર્તા છે, બધા જ કરે છે..
ક્યાંક એકાદા હિન્દી પિક્ચરના ગીતમાં આવતું હતું કે “ રિશવત દેના તો ખુદ પાપાને હી સિખાયા”
એટલે “રાજ” કરવા માટે વ્યહવારિક રસ્તો કાઢ્યો જીવન જીવવાનો, અને સંતાનોને પણ શીખવાડ્યું એવો “વ્યહવારિક જીવન” જીવતા..
સત્ય માટેનો સંઘર્ષ નથી ખપતો,
“કજિયાનું મોઢું કાળું”
મારે મારા કામથી મતલબ,
મારે મારા માટે કોઈ દુ:ખ, દર્દ, જોર, જબરજસ્તી..
તો તરત જ જવાબ આવે “ના”
“વ્યહવારિક રસ્તો” અપનાવો અને વાત પૂરી કરો..!
સમાજમાંથી ખોટા માણસો માટેના હાયકારા અને તુછ્કાર જતા જાય છે,ખાલી ફાતડાની જેમ તાળીઓ પાડીને આરતી ગવાય છે “રામે રાવણ માર્યો રાવણ રોળ્યો માં..”
રામનો સંઘર્ષ એક લીટીમાં પૂરો થાય છે “રામ ચૌદ વર્ષ વનમાં ગયા હતા”
ક્યારેક નિંદા અને કુથલી જરૂરી છે..
કોઈ નું પણ ખોટું બોલીને આપણે શું કામ છે.? ખોટું કર્યું તે એણે કર્યું મારે એનું ખોટું બોલીને શા માટે પાપ બાંધવા..?
વૈચારિક નપુંસકતા છે આ ..!
નિંદા ના કરવાથી ખોટો માણસ વધારે આગળ જાય છે અને સેહલા રસ્તે જવા બીજાને પ્રેરણા મળે છે..
“ખોટા” પણ “મોટા” માણસને જોઇને ભરવામાં આવતી “સલામો” અને બજાવવામાં આવતી “કુરનીશ” એ શીઘ્રપતન પતન છે..!
દશેરાને દિવસે રાવણ બનવું પણ ક્યાં સેહલું હતું ? એવું કેહનારી પ્રજા પોતાની માં બેહન ને વેચતા એક સેકન્ડનો વિચાર નહિ કરે..
જેને રાવણમાં સંયમ દેખાય છે એને કામાંધ શૂર્પણખામાં ચોક્કસ એની સગી બેહન જ દેખાય..
રાવણના સંયમ ને વખાણી અને સતી સીતાના મનસા,વાચા, કર્મણા ના એક પતિત્વના (સત્ય) સત્ ને ધૂમિલ કરી પોતના સ્ખલન ને છૂપવવાની નિરર્થક કોશિશ..
અને છેલ્લે રાવણના દસ માથા બહાર હતા તારા યુગમાં તો અને અત્યારે..
મારું માથું જ ક્યા પાપના “કળણ” માં ડૂબેલું છે એની મને ખબર નથી અને રાવણનો યુગ સારો હતો એવું લખવું છે..!
જય હો પ્રભુ
તારી બલિહારી..
રામ રહ્યો “હ-રામ” માં અને રાવણ રહ્યો સાક્ષાત..
દશેરાએ “રામ” ભુલાયો અને “રાવણ” બળ્યો
આપની દશેરા શુભ રહે
શૈશવ વોરા