ફેસબુક અને વોટ્સ એપ પર એક કલીપ બહુ ફરે છે ૨૦૦૦ રૂપિયાની નવી નોટનો કલર જાય છે..!!
મારું મગજ ફાટી ગયું હે.. સુ વાત કરસ..!!
આટલી આટલી મેહનત પછી મળેલી ૨૦૦૦ની નોટનો કલર ઉતરે..? છેતરપીંડી? નરેન્દ્ર મોદી હવે રાજ કરવાનો હક્ક ગુમાવી બેઠા છે બોસ, આટલો મોટો છબરડો..? બેદરકારી? ઓવર કોન્ફિડન્સ? શું ગણવું..?
કઈ જ નહિ….!
એક મિત્રના પત્નીનો ફોન આવ્યો હતો કે શૈશવભાઈ તમારો ફેન ફોલોઈંગ વર્ગ આટલો મોટો છે તો પછી થોડી જવાબદારીથી વર્તજો..જેમ ફાવે તેમ ના લખશો..
ચાલો જવાબદારીથી વર્તુ..!
૨૦૦૦ની એક નોટ લીધી અને ધોળા બગલાની પાંખ જેવા સફેદ રૂમાલને પાણીમાં ડુબાડ્યો અને પછી મારી એક આંગળી રગડી ૨૦૦૦ની નવી નોટ પર, નવી નોટનો કલર ઉતર્યો અને રૂમાલ પર કલર આવી ગયો..!
પણ જવાબદારીથી વર્તન કરવાનું હતું..
સો રૂપિયાની નોટ ને પણ એ જ રીતે ભીના રૂમાલથી ઘસી કલર ગયો,વીસની નોટ નો પણ કલર ગયો ,જૂની હજારની નોટ અને પાંચસોની નોટ દરેક નોટને ઘસી તો પછી દરેક નોટનો કલર જાય છે..!
હવે જવાબદારીનું વધુ પાલન કરું.. દુનિયાના અઢળક દેશો ફર્યો છું અને સોવેનીયર તરીકે ઘણી કરન્સી ભેગી કરી છે ચાલો ઘસો…
સાહેબ લગભગ દુનિયાની બધી જ કરન્સીને ભીના રૂમાલથી ઘસવામાં આવે તો તેનો કલર જાય છે..!
પાછળ શું પડી ગયા છો..? ત્યારે શું વળી..!
દોસ્તો કોઈ જ તકલીફ નથી ૨૦૦૦ની નવી નોટમાં,ખોટી કાગારોળ છે કલર જવા માટેની..!!
હકીકત એ છે કે માનસિક રીતે આપણે ૨૦૦૦ની નોટના કલરને સ્વીકારવા તૈયાર નથી અને એનું કારણ બહુ મોટું છે અને એ કારણ છે “હોળી”..
હોળી ધૂળેટીમાં વપરાતી હીરાકણી જે મારા એક મિત્રની ફેક્ટરીમાં જ બનતી અને એનું કેમિકલ નામ “રોડામાઈન” ,હવે રોડામાઈનમાંથી છૂટતા કલરની આપણને દરેકને સખત એલર્જી છે,
૨૦૦૦ની નોટ જોઇને ધૂળેટીમાં હીરાકણીથી રંગાયેલા માંકડા જેવા લોકો ના મોઢા યાદ આવે છે અને ઘીન્ન છૂટે, એવું જ કૈક થાય છે ૨૦૦૦ની નોટનો કલર જોઇને..
બિલકુલ સેઈમ ટુ સેઈમ કલર છે હીરાકણી અને ૨૦૦૦ની નોટનો કલર..!
અને બીજું કારણ છે ૨૦૦૦ની નોટને પામવા માટે કરવી પડતી મુશ્કેલી.. ત્રાહિમામ ત્રાહિમામ છે દેશ આખો આ ૨૦૦૦ની નોટથી ..!
મુશ્કેલીથી ૨૦૦૦ની નોટ મળે તો છુટ્ટા નથી મળતા..!
નરેન્દ્રભાઈ એક બાજુ જબરજસ્ત ગુસ્સો કરે છે અને પછી રડી પડે છે..!
પણ જનતા છે ૨૦૦૦ની નોટને પ્રેમ કરવા તૈયાર જ નથી થતી..!
બિલકુલ દીકરો લવ મેરેજ કરીને પાકિસ્તાનથી વહુ આણી લાવ્યો હોય એવી હાલત છે આ ૨૦૦૦ ની નોટની ..!
આખા ઘરની એકદમ અળખામણી વહુ..! લાવ્યો છે તો ભલે રેહતી પણ અમે તો એને અમારી નહિ જ કહીએ..!
૨૦૦૦ની નવી વહુની આ છે કરમ કહાણી..! પણ નવી છે એટલે કસોટી તો પૂરી થવાની..!
એકવાર થોડી સેહલાઈથી હાથમાં આવતી થશે અને વટાવતા થશું પછી માનપાન પામશે, પણ વાર લાગશે..!
હવે વાત જનસાધારણની તો બેંકોમાં આજનો દિવસ કપરો હતો RBI પુરતી નોટ્સ હજી આપી શકી નથી.. ધંધા ધીમે ધીમે મરતા જાય છે..બહુ મોટી ભૂલ થઇ છે કેશ બીઝનેસને કાળું નાણું ગણી લેવામાં આવ્યું છે અને ભ્રષ્ટાચારની સાથે જોડી દેવામાં આવ્યું છે..!
ખોટા બયાનો અપાઈ રહ્યા છે, હિન્દુસ્તાનનો ૫૦ કરોડનો મધ્યમ વર્ગ કોઈ પણ કારણ વિના ફફડી રહ્યો છે, ઇન્સ્પેકટર રાજના ભણકારા વાગે છે અને ટ્રેડ ચુપચાપ ખેલ જોઈ રહ્યો છે, કદાચ જેમના માટે ધમકીભર્યા બયાનો અપાઈ રહ્યા છે એ વર્ગ માંડ ૫ લાખ લોકોનો છે, જેને આપણે સુપર રીચ તરીકે ઓળખીએ છીએ..!
પોલીસ સહીત સરકારી અધિકારીઓની ફોજ નોટો બદલવાના કામે લાગેલી છે પણ કઈ બહુ મોટી અસર આજદિન સુધી દેખાઈ નથી રહી..
જો આમને આમ ચાલ્યું અને કોઈ મોટો કાળા નાણાનો જેકપોટ હાથમાં ના આવ્યો તો કદાચ પેહલીવાર નરેન્દ્રભાઈને અપકીર્તિ જોવી પડે..
અત્યંત કપરો કાળ ચાલી રહ્યો છે..!
એકાદા મોટ્ટા એનાઉન્સમેન્ટની જરૂર છે ૧૦૦૦૦ કરોડ પકડાયા આવું કૈક..!
તો પ્રજાને ધરપત થાય કે હવે થોડું સહન કરી લો.બીજા પણ બહાર આવશે
જનસાધારણ પીસાઈ રહ્યો છે કાળા બજારીયા ધીમે ધીમે માથું ઊંચકી રહ્યા છે..ક્યાંક ક્યાંક જૂની ૧૦૦૦ની નોટના આઠસો રૂપિયા ખાનગીમાં થઇ રહ્યા છે અને બેંકમાં ભરવામાં આવતી નોટ્સમાં નકલી નોટ્સ બહુ જ ઓછી મળે છે એનો રેશિયો એટલો બધો ઓછો છે કે એને નેગ્લીજીબલમાં જ મુકવા પડે..
આદત પ્રમાણે સહકારી બેંકોએ કૈક રાંધ્યું અને RBI એ સુંઘી લીધું એટલે તરત જ RBI એ કાંડા કાપી લીધા છે એમના..
અડધી દાઢી થઇ ચુકી છે અને બાકીની ચાલુ છે પાછા ફરવાનો રસ્તો નથી પૂરું કર્યે જ છૂટકો , થાય તેટલી મદદ બીજાને કરો અને દિવસો કાપો સોશિયલ મીડિયા પર કે બીજે બખાળા કરવાનો કોઈ જ મતલબ નથી..
ક્યાંથી આવ્યું હતું કે દયા હીન થયો છે નૃપ..
ભાઈ હવે “નૃપ” નથી રહ્યો..દર પાંચ વર્ષે મત નાખીને બદલવું પડે બધું..એકની એક સરકાર સાહીઠ વર્ષ રાખો તો પછી નવા આવનારા આવી જ બજાવે..આના કરતા અમેરિકાની જેમ વારાફરથી રાખો તો થોડી રાહત રહે..!
કેવા માસી મામાને ઘેર મોકલીને રંગીલા કાકા ને બેસાડ્યા..
જોઈએ હવે ત્યાં પણ શું ખેલ થાય છે એ જોવાનું છે..
રૂપિયો ડોલરની સામે મજબૂતી પકડતો જાય છે..એક્સ્પોર્ટરો માથે હાથ દઈને બેઠા છે અને ઈમ્પોર્ટર ખુશ છે..
રોજ કભી ખુશી કભી ગમ જેવી ફીલિંગ આવે છે..
છેલ્લે એક વાત..!
કોઈપણ કરન્સી નોટ જોડે ચેડા કરવા એ ગુન્હો બને છે માટે ક્યા દેશોની કરન્સી જોડે રમત કરી તે લખતો નથી, અને તમે પણ બે હજારની નોટને બક્ષી દેજો અને માની લેજો કે દરેક કરન્સીનો કલર ઉતરે જો સરખી રીત ઘસો તો..!
માટે સખેથી જીવવા દો ૨૦૦૦ની નોટને..
શુભ રાત્રી
શૈશવ વોરા