આજે દેવદિવાળી..અને ચન્દ્ર આજે ઘણો મોટો દેખાયો, “સુપરમુન” કહે છે આ ખગોળીય ઘટનાને..આજે ચંદ્ર ૧૪% વધારે મોટો અને ૩૦% વધારે પડતો બ્રાઈટ દેખાયો..મેં સ્પેશિલ ગાડી સાઈડ પર કરીને આ ઘટના નો લાહવો લીધો..લગભગ એલઈડી લાઈટની જેમ આજે રાત્રે ૮:૫૨ વાગ્યે શશી એકદમ બ્રાઈટ ચમકતા હતા..
પૂર્ણ રૂપે શશીને જોઈ ને ખમાજ રાગની એક ચીજ યાદ આવી..
બ્રિજમેં સખી સંગ રાસ રચ્યો હૈ
હે..રી શ્યામસુંદર નંદ કે દુલારે
શશી પૂર્ણ નિશ જાત સંગ ગોપી ગ્વાલન
નાચે આનંદ ઘન જશોદા કે પ્યારે
બ્રિજમાં રાસ રચવાની ઘડી જઈ રહી છે અને જનતા બિચારી ત્રાસ અનુભવી રહી છે..
દુનિયામાં એવી ચીજ વેચવાની મજા આવે કે જેનું અસ્તિત્વના હોય અને એનું નામ એટલે “ભવિષ્ય”..હમેશા ભવિષ્ય જલ્દી વર્તમાન થઇ જાય એવી આશામાં આખો ભારત દેશ જીવે છે પણ ભવિષ્ય હાથમાં જ નથી આવતું..અને વર્તમાનમાં જ જીવવું પડે છે…!
જીવન પછી મૃત્યુ, અને મૃત્યુ પછીનું જીવન, મૃત્યુ પછીનું સુંદર જીવન અને એની કલ્પના..!
એ મૃત્યુ પછીના જીવનને સારી રીતે જીવવા માટે માણસજાત એના વર્તમાનની માં-બેન એક કરી નાખે છે,દુનિયામાં જીવતા મોટાભાગના અતિધાર્મિક લોકો અને અને એમાં વસતા તમામ ધર્મગુરુઓની હોટ સેલેબલ પ્રોડક્ટ છે મૃત્યુ પછીનું જીવન…
આજની સુપરમુન રાત્રે તાજમેહલ જોવાની અનેરી મજા આવતે,
એના માટે કોઈ બીજું કારણ નથી પણ તાજમાં લાગેલો માર્બલ..
તાજમહેલ માર્બલનો બનેલો છે એ આપણે જાણીએ છીએ, પણ માર્બલ એટલે કે સંગેમરમર કે આરસપહાણની અનેકો અનેક જાત હોય છે,અને સંગેમરમરની એક જાતનું નામ છે “ઓનેક્ષ” હાલમાં “ઓનેક્ષ” ફક્ત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જ મળે છે..આપણે ત્યાં સદીઓથી ઓનેક્ષની ખાણો ખોદાઈ રહી હતી અને હવે ભારતીય ઓનેક્ષ એ લગભગ ભૂતકાળ છે..!
પણ તાજમહેલ ઓરીજીનલ “મકરાણા”ના ઓનેક્ષ નો બનેલો છે અને મકરાણા ઓનેક્ષની ખૂબી છે કે એની ઉપર જયારે જયારે સુપરમુનની ૩૦% બ્રાઈટ લાઈટ પડે ત્યારે એ માર્બલ (ઓનેક્ષ) આછો નીલો દેખાય..
માટે આજે જો તાજમેહલમાં હું હોત તો મને તાજમહેલ આછો નીલો જોવા મળતે..!!
પણ હાયરે કિસ્મત..હજારને પાંચસોની નોટોમા જ ઉઝલેલો રહ્યો
છેલ્લા ત્રણ દિવસમાં બેંકમાં ટોટલ છ કલાક વિતાવ્યા..
મજબૂરી હતી સો સો રૂપિયાની નોટ હતી નહિ, અને મારું અને મારા સ્ટાફનું ઘર તો ચાલુ રાખવું જ પડે એમ હતું, એટલે ખાતામાં રૂપિયા ભરી અને ઉપાડ્યા.. મારા માટે આ કામ ચોક્કસ ફક્ત દસ જ મિનીટનું હતું, અઠવાડિયે એકાદ બે વાર બેંકમાં જતા હોઈએ અને આખા સ્ટાફ સાથે દોસ્તી હોય ખરેખર કોઈ પર્સનલી તકલીફ નોહતી ..
પણ જે રીતનો બેંકમાં જનતાનો ધસારો હતો એ જોતા મને એમ થઇ ગયું કે આ બેંકનો સ્ટાફ મરી જશે, એટલે હું જઈને ઉભો રહી ગયો એક કેશિયર મિત્ર પાસે મેં કીધું ભાઈ કઈ કામ હોય તો બોલ..? એ કેશિયર જૂની નોટો જમા લેતો હતો..
એણે તરત જ મને કીધું આ બંડલોની નોટો સીધી ગોઠવો અને કાઉન્ટીંગ મશીનમાં નાખો..પત્યું
હું ભરાયો..એક પછી એક બંડલો આવતા ગયા અને હું છુટા કરીને મશીનમાં નાખતો ગયો..કેશિયર પોતે પછી મેન્યુઅલી ગણી લે અને સીસ્ટમમાં એન્ટ્રી કરે
હું લાખના અને પચાસ હજારના બંડલોની કલીપો અને રબરબેન્ડ ખોલું નોટો સીધી કરું,એકસરખી ગોઠવું અને કોઈ ચોંટેલી નથી એ જોઉં અને મશીનમાં નાખું….બસ એક જ કામ, બે કલાકમાં તો મારું દિમાગ ફરી ગયું..અને મારાથી ભૂલો કરવાની ચાલુ થઇ,એટલે કેશિયર મિત્ર હસીને બોલ્યો જાવ હવે તમારા આંટા આવી ગયા કાલે આવજો..! એણે મારી બદલે બીજા ને ધંધે લગાડ્યો ..!
પછી કેશિયરની કેબીનની બહાર નીકળી અને આખા હોલમાં લાઈનો અને જનતા ઉપર નજર મારી બાપરે બાપ સવારના સાત વાગે ઉભેલાને બપોરે બે વાગે નોટો મળી છે..તરસ્યો અને ભૂખ્યો..!
સામે ટેબલ પર કોપ્યુટર પર બેઠેલા બીજા કલાર્ક મિત્રો અને મેનેજર સાહેબ ઊંધું ઘાલીને કામ કરતા હતા.. સાંજના છ વાગી ગયા હતા..પણ બધાનાના મોઢા પર બાર વાગ્યા હતા..એક ક્લાર્ક મિત્ર પાસે ગયું મેં કીધું કેમનું ..? મને કહે શૈશવ સખ્ખત ચક્કર આવે છે અને ઉબકા આવે છે પણ ક્યારનો દબાવીને બેઠો છું..એમણે મારો હાથ પકડી લીધો..મને પણ એમના મોઢા પરથી લાગ્યું કે કૈક તકલીફ તો છે..મેં કીધું લોગ આઉટ થાવ અને અહીંથી ઉભા થાવ..એમને લઈને બેંકના હોલમાંથી અંદરના રૂમમાં લઇ ગયો બેસાડ્યા પાણી આપ્યું કીધું પ્રાણાયામ કરો બે પાંચ મિનીટ.. કશું કર્યા વિના એ બેસી રહ્યા આખો બંધ કરીને, મેં ધીમેકથી મોબાઈલમાં યુટ્યુબ ખોલી અને સત્યમ શિવમ સુન્દરમનું ગીત ચાલુ કર્યું ,એમણે સાંભળ્યું અને જોયું વીસેક મિનીટ અમે બેઠા અને મેં ધ્યાન રાખ્યું કે નોટો બદલવા સિવાયની વાતો કરી એમની સાથે પછી મોઢું ધોયું અને ફ્રેશ થયા..અને ફરી કામે લાગ્યા…
એક નું એક કામ સતત અને એ પણ રોજના બાર કલાક અને ત્રણ ત્રણ દિવસથી સવારના સાત વાગ્યે ઘેરથી નીકળી અને રાત્રે દસ વાગ્યે ઘેર પાછા જવાનું ,બપોરે ટીફીન અને દિવસની પાંચ અડધી ચા..
અને એ બધાથી ઉપર જનતાની જબરજસ્ત લાઈન માથે અને કોઈ કોઈ કચકચિયો ટે ટે કરે અને દિમાગ ખરાબ કરે..
કર્મન કી ગતિ ન્યારી ..! જે બેંકવાળા શાંતિથી પોતાની જિંદગી ગુજારતા હતા એમને ઢોર કામ કરવાનું આવ્યું છે…
શિક્ષકોની જે હાલત ઈલેકશન વખતે થાય છે એનાથી બુરી હાલત અત્યારે બેંક કર્મચારીઓ ની છે..
આજે તો ક્યાંક ક્યાંક મંડપ બંધાય છે અને પાણી અને તૈયાર પડીકા પણ વેહ્ચાયા છે સારી વાત છે..માણસોને લાઈનમાં થોડી સરળતા રેહશે..!
ત્યાર પછી રોજ બેંકમાં એક આંટો મારી આવુ છું, ખાલી દરેકના ટેબલ પર જઈ જઈને મળું છુ અને એમનુ માઈન્ડ ડાઈવર્ટ કરું છું થોડા હસી મજાક અને ગપ્પા મારું એટલે એમને બીજા ત્રણ ચાર કલાક કામ કરવાનો ઓક્સીજન મળી રહે..!
ઉપદેશ આપવાવાળા પંડિતો મુવી ટીકીટની લાઈન જોડે આ નોટો બદલવાની લાઈનને સરખાવે છે,કે પછી ક્રિકેટ મેચની ટીકીટ જોડે સરખાવે છે..
જેટલી સાહેબ બોલે છે રીઝર્વ બેંકની ચેસ્ટમાં ઈનફ મની છે પણ બજારમાં નથી..તાતી જરૂરીયાત છે ૧૦૦ અને ૫૦ રૂપિયાની નોટો બજારમાં ફરતી કરવાની..૨૦૦૦ની નવી નોટ્સને બદલે રીઝેર્વ બેંકની ચેસ્ટમાં જેટલી નાની કરન્સી નોટ પડી છે એ બધી જ આરબીઆઈ રીલીઝ કરી દે તો સમસ્યા જલ્દી કન્ટ્રોલ થઇ જાય તેમ છે..
એટલું સારું છે કે સમસ્યાનો સરકાર દ્વારા સ્વીકાર થયો છે માટે સમાધાન ચોક્કસ મળશે..બીજા ઓપ્શનમાં તાત્કાલિક ધોરણે પેટીએમ જેવા દસ નવા નવા સ્ટાર્ટ અપની જરૂર છે..
બહુ જ બધા મેસેજ ફરે છે..
આશા અમર છે
ચન્દ્રમા હજી પણ એટલા જ ચમકે છે નોટોની રામાયણ પારાયણ બાજુ પર મૂકી અને ધાબે ચડો અને જુવો સુપરમુન બહુ મજા આવશે..
શુભ રાત્રી
શૈશવ વોરા