નોટબંધી ..
કમ્પ્લીટલી નવો શબ્દ ઉમેરાઈ ગયો ગુજરાતી ભાષામાં, હિન્દીમાં શબ્દ શોધાયો અને ગુજરાતીમાં આવી ગયો..! અને આ “નોટબંધી” શબ્દ પ્રચલિત પણ ફટાફટ થઇ ગયો..ચોરેચૌટે એક જ વાત, લોકો સાંભળી સાંભળીને અને બોલીને,સમજીને થાકી ગયા..
યાર નસો ના ખેંચો બસ હવે બહુ થયું..! ફેસબુક થી વોટ્સ એપ,પાનના ગલ્લે થી સંસદ સુધી કોઈ બીજી વાત જ નહિ..!
અરે ભાઈ પ્રજા તો ટેવાયેલી છે યાર ગમે તેવી તકલીફો સહન કરવા અને જયારે બહુ મોટી આશા સામે દેખાતી હોય ત્યારે તો ગમે તેટલી મોટી તકલીફ કેમ ના હોય..? પ્રજા બિલકુલ હસતા હસતા સહન કરી લે છે..!
જબરજસ્ત ભાગલા પડ્યા છે જનતામાં “નોટબંધી” ની તરફેણ અને વિરોધમાં..
પણ વિરોધ ધીમે ધીમે ઠરતો જાય છે,લીક્વીડીટી થોડી વધી છે બજારો થોડાક થોડાક રેગ્યુલર થતા જાય છે અને માનસિક રીતે પ્રજા બીજો કયો “ઘા” આવશે એની તૈયારી કરી રહી છે..!
અફવાઓનું બજાર વોટ્સ એપ પર ગરમ છે સાચી ખોટી ઇન્કમટેક્ષની નોટીસોના ફોટા ફરી રહ્યા છે..!
વેપારી આલમ GST ના રજીસ્ટ્રેશનમાં પડી છે,ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ થઇ ગયા છે અને GST તરફ બધાનું ધ્યાન જતું જાય છે..!
ક્યારેક વિચાર આવે છે કે આ નોટબંધીથી ઉભા થયેલા આટલા બધા રૂપિયાનું જેટલી સાહેબ કરશે શું..? ગરીબોને વેહચી દેશે..? રોબીન હુડ વેડા કરશે..? કે પછી રચનાત્મક કામમાં રૂપિયા લગાડવામાં આવશે..?
કરશે શું આ સરકાર આટલા બધા (કાળા)રૂપિયાને સીસ્ટમની બહાર કાઢી અને (ધોળા)સીસ્ટમમાં અંદર લાવીને..?
કોઈ કહે છે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ખોલી નાખવામાં આવશે અને સ્માર્ટ સીટી ઉભા કરશે..
ઓકે સરસ, બીજો કોઈ જવાબ કે કોઈ ગેસિંગ..?
ના કોઈ નક્કર જવાબ હજી નથી મળતો પણ ભારતને કેશલેસ કરી અને પ્લાસ્ટિક પર લઇ જવાની એક દબાણપૂર્વકની કોશિશ છે એવું લાગે છે..
પણ “નોટબંધી” પછીની રૂપિયા ઉપાડવાની લીમીટો કેટલો સમય ચાલે છે એની ઉપર નક્કી થશે કે ભારત કેટલું જલ્દી પ્લાસ્ટિક તરફ જશે..!
આપણી ભારતીયોની પ્રજા તરીકેની આપણી એક જબરજસ્ત મોટી કમબખ્તી છે જ્યાં સુધી કોઈપણ સીસ્ટમ આપણે માથે ફરજીયાત માથે થોપવામાં ના આવે ત્યાં સુધી આપણે નવી સીસ્ટમને બિલકુલ સ્વીકારતા નથી,વળી વળી અને જૂની સીસ્ટમ તરફ જઈએ છીએ અને બીજી કમબખ્તી એ છે કે કોઈપણ નવી સીસ્ટમનો “તોડ” આપણે શોધી કાઢીએ છીએ..!
પ્લાસ્ટિક તરફ જવામાં એક વર્ગ જેને આપણે સેલેરી ક્લાસ કહીએ છીએ એને બહુ મોટી તકલીફ નથી પડવાની પણ ગામડામાં જ્યાં ભારતની ૬૪ % પ્રજા હજી જીવે છે ત્યાં બહુ મોટી તકલીફ છે, પ્લાસ્ટિક મની જેવો કન્સેપ્ટ જ દિમાગમાં ઘૂસતો નથી..અને શેહરોમાં પણ સો ટકા પ્લાસ્ટિક છોડો ત્રીસ ટકા પ્લાસ્ટિક પણ આજ ની તારીખમાં વપરાતુ નથી..!
એકસામટા આટલા બધા લોકોને પ્લાસ્ટિક પર ચડાવવાનો પ્રયોગ કદાચ નિષ્ફળ જશે,અને જો કરવું જ હતું તો પેહલા જરૂર હતી પેટીએમ જેવા ઓછામાં ઓછા દસ સ્ટાર્ટ અપની અને એ પણ સરકારી બેંકો દ્વારા ઉભા કરવાની,અને અત્યારે પણ પેટીએમ જેવા સ્ટાર્ટ અપનું જો અચ્યુતમ કેશવમ થઇ ગયું તો જવાબદારી કોની..?
સરકારનું બેન્કિંગ અને ફાયનાન્સ જેવા સેક્ટરમાં પ્રાઇવેટાઇઝેશનને એક લેવલથી આગળ લઇ જવાનું જનસાધારણ માટે સરવાળે ભાગાકાર કરનારા નીવડ્યા છે અને એનું કારણ પણ છે આપણે પોતે “પ્રજા” અને તંત્ર..
આપણે ત્યાં નાદાર થયેલો ધંધાદારી એમ કહે છે મારી કંપની ઉઠી ગઈ છે હું તો સધ્ધર છું, અને પછી કોર્ટો બિચારી મેહનત કરીને સુબ્રોતો રોય જેવાને પરાણે પૂરી રાખે છે અને માલ્યા જેવા મોજ કરે છે..
“નાદાર” થયેલા લોકોને સપૂર્ણ સામાજિક સ્વીકૃતિ અને આદર સહીત માનસન્માન આપણો સમાજ આપે છે, દોન્ગાઈ અને લોંઠકા વૃત્તિ સમાજમાં બહુ જ અંદર સુધી ઘુસેલી છે..બહુ જ મોટું ગેંગરીન છે આપણા સમાજનું આ..
“ઉઠી” ગયેલા લોકોના રૂપિયા ધાર્મિક સ્થાનોમાં ખુબ જ પ્રેમથી અને અહોભાવથી લેવામાં આવે છે અને સેઠજી નો જયજયકાર બોલાવાય છે..ધર્મસ્થાન ક્યારેય તેમની પાસે આવતા રૂપિયાના મૂળ સુધી ગયા નથી,,!
જેટલી સાહેબને ખરેખર તપાસ કરવી હોય તો ૮૦ જી માં લેવાતા ડોનેશન ઉપર પણ એક નજર મારજો સાહેબ..!
દેશમાં કેટલા બધા બજારોમાં જ્યાં સાહીઠ થી લઈને નેવું દિવસની ઉધારીમાં ધંધા ચાલે છે ત્યાં અત્યારે લોકો સંપૂર્ણ નાગાઈ પર ઉતરી આવ્યા છે,”જોઈતા હોય તો રોકડા લઇ લો જૂની નોટો આપું છું લઇ લે બાકી છ મહિના સુધી હું કશું નહિ આપી શકું” અને આવા જવાબો અને દબાણ જેમ જેમ ૩૧મી ડીસેમ્બર નજીક આવતી જશે તેમ તેમ વધારે આવશે..
વીશીઓ લગભગ પડી ભાંગી છે આંગડીયા તો ખૂલવાનું નામ જ નથી લેતા..!
જોવાની ખૂબી એ છે આ એ જ નાલાયક લોકો છે જેમની પાસે લેણદાર દિવાળી પર ઉઘરાણી કરતા ત્યારે કેહતા કે ઝેર ખાવાના રૂપિયા નથી..મારા જેવો તો મોઢા મોઢ કહી દે સેઠ હવે ટ્રાય કરો તમને આ જૂની નોટોથી કોઈ ઝેર તો ચોક્કસ આપી દેશે..!
“જુગાડ” ની રાહ જોઈ ને બેઠેલી પ્રજાના વોલ્ટેજ ધીમે ધીમે ઓછા થતા જાય છે એમના મોઢા પરના નૂર તેજ ધીમે ધીમે ડીમ થઇ રહ્યા છે..
કો-ઓપરેટીવ બેંકવાળો રસ્તો બંધ થઇ ગયો, ૪૫૦૦ ના ૪૦૦૦ વળી સ્કીમ રોજના ૨૦૦૦ રૂપિયા થઇ ગયા ત્યારથી ધીમી પડી ગઈ છે..!
એટલે “જુગાડ” શોધતી પ્રજા હવે જૂની તારીખોમાં દસ્તાવેજ કરવાની ની દોડાદોડીમાં પડી છે..!
ઓવરઓલ “ગરીબ” ગરીબ જ રેહવાનો અને છેલ્લા દસ વર્ષમાં પેદા થયેલો ૫૦ કરોડનો મધ્યમ વર્ગ જેને મોટા મોટા સપના દેખાતા હતા એ બિલકુલ “માપ”માં આવી ગયો છે..!
અમીર વર્ગ જેની પાસે રોકડા હતા એ ક્યાંક ક્યાંક ભરાયો છે અને સુપર રીચ એને કોઈ જ ફર્ક પડ્યો નથી હા પેલા જમીનોના “દલાલ” અને “ગાળા” ખાનારા ભીંસમાં છે..
અત્યારે એટલું ચોક્કસ પૂછવાનું મન થાય છે કે હે જેટલી સાહેબ તમને સાચ્ચે નોહતી ખબર કે દેશના દરેક શેહરમાં આવેલી કો-ઓપરેટીવ બેંક અને અમુક પ્રાઈવેટ બેંકના સ્ટ્રોંગ રૂમમાં જ તમે જેને કાળું નાણું કહો છો એ “પડી” રેહતા હતા..?
તમને ખરેખર ખબર નોહતી કે મુંબઈ અને દિલ્લીમાં આખા ફાર્મ હાઉસમાં કે ફ્લેટો ભરીને નોટો ભરેલી “પડી” રેહતી..?
તમારી જોડે સંસદમાં બેઠેલા લોકોમાં બધા જ ખરેખર “ઈમાનદાર” છે..?
જેટલી સાહેબ તમારી “માસુમિયત” પર તો ખરેખર “વારિ” જવું પડે એવું છે પણ સાહેબ હવે તો ક્યાંક દરોડો પાડો અને “મોટ્ટી કેશ” પકડો તો અમને ધરપત થાય..!
હશે ત્યારે જેવા જેના ભાગ્ય ..
સૌને શુભ રાત્રી
શૈશવ વોરા