વિક એન્ડ હતો એટલે પ્રિ નવરાત્રી હેંડવા લાગી , અહીંયા હેંડવા શબ્દ જાણી જોઈને નાખ્યો છે , વિટામિનો અને પ્રોટીનની ભરપૂર કમી ધરાવતા માણસો ( છોકરા અને છોકરીઓ ) બે રાઉન્ડમાં તો ઊભા થઈ જાય છે અને પછી ધૂમ્રપાન ક્યાં જઈને કરવું એની શોધખોળ ચાલુ થાય..
જરાક અઘરું થતું જાય છે , શરીર આટલી નાની ઉંમરે સાથ છોડે છે..!!
ચાર પાંચ વર્ષથી હથોડા માર્યા છે સિસ્ટમ ઉપર એટલે આ વખતે ડોમ અને ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર ઓથોરિટી નજર રાખી રહી છે , શબ્દો ઉપર ગાવાવાળા ધ્યાન આપે એવી મતલબની અપીલો થઈ રહી છે , સારું છે…
કોમર્શિયલ નવરાત્રિ કેટલો જીએસટી ભેગો કરી આપશે એવા આંકડા બાહર આવે તો જેમને માટે આંખના કણા સમાન જે નવરાત્રિ છે એમને સેહજ ખબર પડે કે ધંધો કેટલો મોટો છે …!!!
નવ દિવસ કેટલાય માણસોના કેલેન્ડર ફરવાના , અમે પણ ફેરવવાના , ફરવાના, પણ એક ઉંમર પછી પાસના ભયાનક રૂપિયા છાતીએ વાગે , વંડી ઠેકીને જવાનો સમય હવે નથી…
મોટેભાગે કયુ આર કોડ થી એન્ટ્રી છે ,
એટલે લુખ્ખા અને વિધર્મી તત્ત્વો દૂર રહેશે ..
આમ તો પરજા નવરાત્રી પેહલા જ ઘરની બહાર નીકળી ચૂકી છે પણ હવે દૂર સુદૂર સુધી જઈ રહી છે.. અમદાવાદની પેરિફરીના સો કિલોમીટર સુધીના વિસ્તારોમાં ગરબા થઈ રહ્યા છે અને પાસના ભાવ તોડી નાખે એવા છે…!
પાંચ હજારનો એક …!!! અને એ પણ એક દિવસનો એક જણનો..
એમાં પણ ભીડ ભીડના ભડાકા …!!
બાપરે … ચારેય બાજુ જેન ઝી નામની ડટડીઓ ઓન લાઇન ખરીદેલા કુર્તામાં દેખાય .. છાતીના પાટિયા બેઠેલા હોય અને કુર્તાને બટન જ ના હોય…!! ખપાટિયા ..વાળ કર્લી કરીને ફરતા દેખાય .. ટ્રેન્ડ આવો છે..!!
આપણે રહ્યા ઓલ્ડ સ્કૂલવાળા , સારી ક્વોલિટીના કાપડ જોઈને લઈએ , એક જમાનામાં કાપડ સૂંઘી લેતા ,પ્રોસેસ હાઉસનું કાપડ હોયને તો એમાંથી કેરોસીનની વાસ આવે ..!
મિલના કાપડ થોડાક જાડા હોય , આવી કચ અને કસ કરીને ખરીદી થાય .. ઓન લાઇન ગાભામાં બહુ ભલીવાર નહીં , ધોયે રોવાનો જ ઘાટ..!!
ખડી, ટિક્કી તો હાય હાય .. ઝાકમઝોળ જરી? પણ ઓન લાઇનમાં દે દે .. બહુ ગંધાતા ક્વોલિટી વિના ના ઝભ્ભાના રૂપિયા નાખી દે છે છોકરા..
નવા નવા સોકરાવ દાઢી વાળ એવા કરાવીને આવે કે એક વાળ હલે નહીં બાકી , સેલોમાં એક સર્વિસ લગભગ પાંચક ( પાંચેક) હજારની થાય ..!!
કાયદેસર ત્રણ કલાક છોકરા ડાચા ઉપર જે ને તે લગાડીને બેઠા રહે.. !!!
મારા ડોસલાઓ અને ડોસલીઓ… યાદ કરો વો જમાના ..!
બાપા દાઢી એક દિવસની વધેલી દેખાય તો ઘઘલાવી નાખે.. એમાં પણ છોકરી જોવા જવાનું હોય તો ગયા કામથી , સવારે દાઢી છોલી હોય તો સાંજે ફરી કરાવે , આવી રીતે હાલી નથી નીકળવાનું ..!! બે છોકરાના બાપ થયા પછી પેહલા અડધી ફ્રેન્ચ બિયર્ડ અને પછી ધીમેથી આખી દાઢી રાખવા દીધી એમાં પણ અઠવાડિયું થાય એટલે ટકોર આવે , વતુ કરો…!!!
અને અત્યારે … મારા રોયા ચંપાના ફૂલ માથામાં નાખે , એક પાતળી પોણી ખુલ્લી કેડ ચણિયા ચોળીમાં ગરબા કરે , બ્લાઉઝ બેક લેસ અને ચણિયો નાભિથી પોણો ફૂટ નીચે બાંધ્યો હતો , હાઇટ જુવો તો પોણા છ ફૂટ , મારા જેવો તો જોઈને બઘવાઇ જાય ,ઓહો આ સુંદરી પાછળથી આવા સુંદર લાગે છે તો .. અને એ ચણિયા ચોળીમાંથી દાઢી ધારી નીકળે … !!!!
હે માં…માતાજી .. તારા ભક્તો …!!
તાબોટા પાડવાની બદલે રોયા તાળીઓ લઈને ગરબા કરે , આ ત્રીજી જાતિની વેશભૂષા …!!!!
અપરંપાર…
છોકરીઓની વેશભૂષામાં ખાસ પરિવર્તન નથી , કંઇ ઉડીને આંખે ચડે એવું નવું નથી પણ એક ખતરનાક નવો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે …
નોન ગુજરાતીઓ ગુજરાત કનેક્શન શોધી શોધી અને ગુજરાત આવે છે , પેલી કોઈ અંગ્રેજી કોન્સર્ટમાં નહીં અમદાવાદ આખું માથે લીધું હતું…??? યાદ છે..??
એવો ઘાટ છે ,
ત્રણ રાત અને બે દિવસમાં તો જેન ઝી દિલ્લી મુંબઈ બેંગલોરથી આવીને લાખ દોઢ લાખનો ધુમાડો કરીને જતા રહે છે ,
ગુજરાતી માણસોએ ગરબાને ફૂલ ગજવ્યા છે , ભરપૂર કમાણીનું સાધન આજે અમદાવાદમાં હોય તો એ ગરબા છે , જબ્બર રૂપિયો ગરબે ફરી રહ્યો છે..
હજી વિક એન્ડ બાકી છે અને રમઝટ મોટી બોલાશે…
સરકાર માટે માથાનો દુઃખાવો સાબિત થવાની છે આ નવરાત્રી , ટ્રાફિક ટેરિફિક, ત્રણ હજારની કેપેસિટીના ગ્રાઉન્ડમાં પાંચ હજાર પાસ વેચાય , ખાવાપીવાની વસ્તુઓમાં ભયંકર મારામારી , હોટલો કવર ચાર્જ લેતી થઈ ગઈ , પંદરસો રૂપિયા પર પર્સન કવર ચાર્જ આપો તો જ એન્ટ્રી …
ગરબા હવે ડોલરમાં રમવા સસ્તા પડે એવું લાગે છે … ત્યાં પચ્ચીસ ત્રીસ ડોલરમાં પૂરું થાય અહીંયા ???!!!!!!
અતિ ની ગતિ નહીં.. ક્યાંક કોઈ દુર્ઘટના ઘટી તો સઘળું નાશ પામશે , પછી જાડો નર શૂળી ચડાવો કોઈ જેવો ઘાટ કરવો પડશે , પુષ્કળ અરાજકતા ગરબા ગ્રાઉન્ડોમાં વર્તી રહી છે , અત્યંત ગંભીર પરિસ્થિતિ જો જોવી હોય તો..
સમસ્યાના સમાધાન શું ? બાઉન્સરો થી સંઘર્ષ થશે , વ્યવસ્થા પ્રોપર ઉભી કરવો , કાઉન્ટીંગ ચોક્કસ કરો જેથી ત્રણ હજારની કેપ્સીટીમાં પાંચ હજાર ના ભેગા થાય અને જો થયા તો બીજા દિવસે એ ગરબા બંધ…!!
કડક થાવ ..
ત્રણ હજારમાં પાંચ હજાર થાય તો બીજા દિવસે ગરબા બંધ .. માથા ગણવા જ પડે..
જાગજો..
હજી ઘણું બાકી છે..
સાચવી અને ગરબે ઘૂમજો , ઘેરથી વહેલા નીકળી અને કુમકુમ ના પગલાં પડ્યા .. ત્યાંથી જ ગરબો ઝીલી લેજો છેક છેલ્લે સુધી રોકાવાનો મોહ ત્યજી ને બાર એક વાગે ગરબા ગ્રાઉન્ડ ત્યજવું..બચવું..!!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*