પ્લાસ્ટિક ના વિરોધની આંધી ચાલી છે..મુન્સીટાપલી બરાબરની પાછળ પડી છે દુકાને દુકાને ફરી ફરી અને પ્લાસ્ટિક બેગોનો નાશ કરી રહી છે..
કેવું હેં ..?
ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા..!!
કેટલા અબજ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થઇ રહ્યું છે ?
તમારા એચડીપીઈ, એલડી,પીવીસી, પીપી ..પોલી કાર્બોનેટ, પીઈટી …જાત જાત ના અને ભાત ભાતના અબજો ટન પ્લાસ્ટિક દુનિયામાં બની રહ્યા છે..!!
ત્યાં આંગળી અડાડી શકાતી નથી અને નાના દુકાનદારો જોડે તોડપાણી થઇ રહ્યા છે..
ચાલો પ્લાસ્ટિક બનવાનારા તો બહુ મોટા છે, અને દુનિયાના દરેક લોકશાહી દેશમાં એ લોકો ઈલેક્શન ફંડમાં બહુ મોટા ફાળા આપે છે એટલે એમાં કઈના કરાય ..
તો પેલી મશીનરીવાળાને ઝાલો…
દિવસના કેટલા `ડબા` (૨૦ ફૂટ અને ૪૦ ફૂટના કન્ટેનર ને ક્લીયરીંગ ફોરવર્ડીંગ એજન્ટો સાદી ભાષામાં “ડબો” કહી ને જ બોલાવે છે ) ભરી ભરી અને આ પ્લાસ્ટિકના ઝભલા બનાવતી મશીનરી હજી પણ ઈમ્પોર્ટ થઈ રહી છે ?
આમ તો તમારા આઈસીડી (ઇન લેન્ડ કન્ટેનર ડેપો) ના રખેવાળો ચારે બાજુ પુછંડા પછાડતા ફરતા હોય છે.. એસી હોય કે અપ-રાઈઝાર કેવી ચરબી ..?
ટ્રેડને તો ચોર જ સમજવા નો ..
તો પછી હવે કીડની બદલાઈ ગઈ હોય તો એકાદું નોટીફીકેશન બહાર પાડી દયોને એટલે પ્લાસ્ટિકના મશીનો જ આવતા બંધ થાય..કાગળિયાં ચાવી ખાતા અને પુંછડી પછાડતા ડાયાનાસોરો ને કામ મળે..
પછી દેશમાં પણ જેટલા આવી ગયા છે એ બધા મશીનોને વીણી વીણી ને ઠાર મારો એટલે પત્યું..
દુકાને દુકાને ફરવાથી પ્લાસ્ટિકનો દૈત્ય ના મરે ..
લગભગ અંદાજે દેશમાં નાની મોટી થઇ ને આઠથી દસ કરોડ દુકાનો છે, ને શાકભાજીની વત્તા બીજી બધી લારીઓ જેમાં પકોડા,ચા થી લઈને શિકંજી બધું ય ભેગું કરીને એનું ટોટલ મારવા જાવ તો ક્યાં જાય ..?
બધે ડૂચા મારવા જેટલો સ્ટાફ છે ?
અને હા બીજી વાત એ બધે પ્લાસ્ટીક નો વપરાશ અટકાવવા સરકારી મશીનરી દોડાવશો તો પછી જાજારા (શૌચાલય) કોણ બનવાશે હેં ..?
છેલ્લા ચાર વર્ષના લેખાજોખા સરકાર પોતાની જાહેરાતોમાં મૂકી રહી છે અને એ જોતા આપણને એમ જ લાગે કે “જાજારા” બનાવવા સિવાય સરકારે કોઈ કામ કર્યા નથી ..
બાકી તો ઉજ્જવલા અને નિર્મલા આવું બધું આવે છે ,અને હવે બીજા પાંચ વર્ષ આવ્યા તો શાંતા ,કાન્તા, રમીલા ,મણી, સરલા ,…બધી નો વારો આવી જશે..!!
રાજીવ-ઇન્દિરા માંથી છૂટ્યા અને શાંતા-કાન્તા,ઉજ્જ્વાલા-નિર્મલામાં ભરાયા..!!!
દોસ્તો એક વાત સો ટકા સાચી કે પ્લાસ્ટિકની બાઓડીગ્રેડેબીલીટી બહુ જ ઓછી છે અને જિંદગી લાંબી છે લગભગ ચારસો પાંચસો વર્ષ ની છે..
કેહવાતા હિન્દુત્વને વરેલી સરકાર મૃત્યુ પછીના ડીકમ્પોઝીશનને ભૂલી ગઈ ..
શાસ્ત્રોએ એક વાત પકડી રાખી છે, માટી માંથી બનેલી વસ્તુ માટી તો થવી જ જોઈએ..અને સો વર્ષથી વધારે જીવવાનો વસુંધરા ઉપર કોઈને પણ અધિકાર નથી…!!
સો વર્ષ પછી દરેક લીવીંગ કે નોન લીવીંગ નું સ્વરૂપ ચોક્કસ બદલાઈ જ જવું જોઈએ…
અને આ નિયમને કુદરતે જાળવી રાખવા ઉધઇ નું સર્જન કર્યું છે..
આપણે શેહરોમાં જરાક ઉધઈ દેખાઈ નથી કે મારવા ઘાંઘાં થઇ જઈએ છે ,નવું મકાન બનાવતા પેહલા જ ઉધઈ ને મારવા માટે દવાઓ નાખી દઈએ છીએ..
અરે ઉધઈ ને પણ જીવાડવી પડશે ભાઈ, નહિ તો લાકડું માટીમાં કોણ ફેરવશે..? લાકડાને નાશ કરવા સળગાવવાથી તો ઓક્સાઈડ અને મોનોઓક્સાઈડ વધારે જનરેટ થશે .. ઉધઈ જ બેસ્ટ રસ્તો છે ..
હવે જો બધી ઉધઈને મારી નાખશો તો આજે પ્લાસ્ટિક-રાક્ષસની જેમ છાતીએ આવીને ઉભો છે એના કરતા કૈક મોટું વિકરાળ સ્વરૂપ લઈને લાકડું આપણી સામે આવીને ઉભું રેહશે …
વિચારો કે લાકડાનો ઉધઈ દ્વારા કુદરતી રીતે નાશ થતો અટકી ગયો ..માટીમાં ભળવાનું બંધ થઇ ગયું..!! લાકડું પણ પ્લાસ્ટિકની જેમ ચારસો વર્ષ જીવતું થઇ થઇ ગયું ..!!
હજી બે દસકા પેહલા જ આપણે હાથમાં કાપડની થેલી ઘરની બાહર લઇને નીકળવા ટેવાયેલા હતા..
અચાનક આ પ્લાસ્ટિક જીવનમાં ઘૂસ્યું..
દૂધ પણ કાચની બાટલીમાં લેવા ટેવાયેલા હતા..
ચવાણું છાપામાં ભરાઈને ઘેર આવતું અને દિવેલ ડોલચામાં ..
પાણી તો નળમાં આવતું એ જ પીવામાં વાપરતા..
અચાનક આપણને કેહવામાં આવ્યું કે તમે પીવો છો એ પાણી અશુદ્ધ છે અને ઘરમાંથી માટલા નીકળી ગયા..
પ્લાસ્ટિકના કારબામાં આવેલા પાણી શુદ્ધ છે..
કોણે કીધું અને કોણે માન્યું ..?
વા વાયો નળિયું ખસ્યું કુતરું ભસ્યું અને આખું જંગલ દોડયું…
બે ઘડી શાંતિથી વિચાર્યું પણ નહિ કે કયું પાણી શુદ્ધ છે અને કયું અશુદ્ધ ? નદીના પાણી અશુદ્ધ થયા તો કેમ થયા ?
નાહવા માટે સાબુ ની ખરેખર જરૂર છે ? શેમ્પા શેમ્પી વિના સદીઓથી મેનકા અને ઉર્વશીઓ કઈક ને “પાડી” દેતી..
પણ આ બોલીવુડની નવી રંભાઓ જે સાબુ થી ન્હાય એનાથી આપણે નહાવું જ રહ્યું..
આ સાબુના આલ્કલી પાણી ગટરમાં વહ્યા અને ગટર ગઈ સીધી ગંગાજીમાં ..
ઓ નિર્મલા-ઉજ્જ્વલા ના માલિક, નાહવાના અને ધોવાના સાબુમાં વપરાતો ડોલોમાઈટ અને કોસ્ટિક નો વાપરશ ઓછો કરો નદીઓ આપોઆપ ચોખ્ખી થશે..
બજારમાં વેચાતી દરેક પ્રોડક્ટની પીએચ સાત કરાવો ..
પ્રદુષણના મૂળને પકડો ..
બોરવેલ અને સર્ફેસ વોટર મારા તમારા જાજરૂ બાથરૂમમાંથી નીકળે છે પછી પ્રદુષિત કેમ હોય છે ?
હું શું વાપરું છું એ જુવો અને એને બજારમાંથી હટાવો.. એકલા પ્લાસ્ટિક ને કાઢયે નહિ મેળ પડે ..
અને ખરેખર શીખવું હોય તો ભૂતાન પાસેથી શીખો ..
પડીકા ફૂડ બંધ કરાવો અથવા કાચમાં લાવો છેવટે રીસાયકલ થાય એવા પ્લાસ્ટિકમાં મુકો ..
ચારે બાજુ દલાલોનો જમાનો છે ..
પોતાની દુકાન અને દલાલી કોઈને છોડાવી નથી કે ઓછી નથી કરવી..
ફીટનેસ ચેલેન્જો લેવી છે ને નાખવી છે..
દોઢસો કિલોમીટરના પટ્ટામાં સુરજ દેવતાની દીકરી, યમ ,શનિના બેહન અને કૃષ્ણનાં પટરાણી એવા માં જમના મહારાણી કોરા ધાક્કોર પડ્યા છે..કે એક પટ્ટીમાં વહે છે ગટરની નાલીને જેમ..
કોને પડી છે હેં..?
આવે સુરજ દેવતા સાક્ષાત કે યમ કે શનિ ..
અને એમને પણ શું અમે તો પિયરીયા ..
જાણે એમનો ભરથાર…કૃષ્ણ ..
ભક્તો જાગો …
નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારિ પદ પંકજ સ્ફ઼્ઉરદમન્દ રેણુત્કટામ |
તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પામ્બુના
સુરાસુરસુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ ||૧||
ગણગણ્યા કરવાથી મેળ નહિ પડે …
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા