“વાયુ” વળી ગયું અને અમદાવાદની ગઈકાલની સાંજ માદક કરતુ ગયું ..
સાંજે જીમ પતાવીને રાત્રે પાછા ફરતા મસ્ત મસ્ત `વા સેહલાવતો હતો એટલે પત્નીજીની પરમીશન લઈને અમે અમારા શીંગડા સંકોર્યા ને વાછરડાના ધણમાં ભળવા સજ્જ થઈને અમારો ઇટાલિયન ઘોડો પલાણ્યો ..
આ વાછરડાઓ ના ધણની વચ્ચે ફરવાની એક અલગ જ મજા છે.. સાલા સેહજ સ્માઈલ કરોને કે તરત જ તમારા થઇ જાય, અને જરાક મજાક મસ્તી કરો કે તરત જ એવું લાગે કે વર્ષોથી ઓળખો છો..!
જો કે ધણની જોડે “ડીલ” કરતી વખતે સેહજ સાચવી ને ચાલવું પડે ..જુના ચિઠ્ઠા .. હમારે ઝમાને મે .. આવા ચિઠ્ઠા ખોલવા ના બેસાય, નહિ તો એ જ વાછરડાઓ તમને શીંગડા મારી મારી ને બહાર ફેંકી દે..અને એવા ઈન્સલ્ટ આવે કે આખી પેઢી ને નફરત કરતા થઇ જાવ..
દરેક ધણ નો એક નિયમ બહુ સાફ છે, ચિઠ્ઠા નહિ ખોલવાના ..!
ગઈકાલે કાંટીયુ માથે હતું (રાતના બાર) ત્યારે સિંધુ ભવન ભમ્યા..નજારો જોઈ ને અમારા મોઢામાંથી નીકળી ગયું.. સાલ્લ્લી કેટલી `લાટો` વધી ગઈ છે, એની મ્માં ને ..
ચારે બાજુ ગાડીઓ જ ગાડીઓ પાર્ક, અને બોનેટ ને ડેકીઓ ની અંદર અને ઉપર પરજા ચડી ચડી ,ઘુસી ઘુસી ને બેઠી હતી ..
જાત જાત ને ભાત ભાતના સીન ચાલી રહ્યા હતા..ક્યાંક કર્ણાવતી નગરીના નર નારીઓ સાથે મળી ને ધુમ્રપાન કરતા હતા, અને ક્યાંક મોસમની માદકતા માથે ચડી ગયેલી નજરે પડી ..!
બે ,ત્રણ ,ચાર, પાંચ તસતસતા આલિંગનો દેખાયા અને ક્યાંક અધર રસના પાન થઇ રહ્યા હતા ..રોડ તો લગભગ ખાલી હતો પણ થોડા થોડા સમયાંતરે ,એકાદી મસ્ટેંગ, કે કોઈ બીજી સ્પોર્ટ્સ કાર કે બાઈકો માં ડુકાટી, ટ્રમ્પ કાકાની વ્હાલી હાર્લી અને બીજી બધી સુપર બાઈકો ઘૂઘવાટા કરી જાય..
આ નજારા નીરખવાની તો મજા આવે જાણે ..
મંદ મંદ વાયરો વા`તો હોય એ પણ ત્રીસ બત્રીસ ડીગ્રી નો અને આખા રોડ ઉપર યૌવન હિલ્લોળે ચડ્યું હોય અને ઉપરથી સ્પોર્ટ્સ કાર અને સુપર બાઈકોના ઘૂઘવાટા.. આલ્હાદક વાતાવરણ ઉભું થાય..!
કાંટીયું આગળ વધ્યું તેમ તેમ થોડી સીટીઓ વાગી એટલે અમારામાં રહેલો અનુભવી સાંઢ બોલ્યો હેંડ ભઈ જગ્યા બદલ..
સદીઓથી આવું ચાલે છે જેવી સીટીઓ વાગે એટલે અમે જગ્યા બદલીએ..અને જ્યાં જઈએ ત્યાં પછી ફરી સીટી વાગે..
આઈઆઈએમ ગયા..પણ ત્યાં તો બજાર સાડા અગિયારનું સમેટાઈ ગયું હતું ..એટલે સિંધુ ભવન રોડ ની `ભીડ` નો તાળો પણ મળી ગયો ..
આઈઆઈએમ પર સીટીઓ મારી એટલે બધું સિંધુ ભવન ભણી ઉપડ્યું હતું..
આ એક ખરી મુસીબત છે અમદાવાદની..એક બાજુ ચોવીસ કલાક બધું ખુલ્લું રાખવાની વાર્તા થાય, અને બીજી તરફ વાતાવરણની `મારી` પરજા બિચારી રાતે ભાટકવા નીકળે તો સીટીઓ મારી મારીને દોડાવે ,અને એમાં પણ અમારા જેવા ઘોડા લઈને ફરતા દેખાય તો છેક ઘર સુધી મૂકી જાય..
એક ચિઠ્ઠો ખોલી નાખું ..(છેવટે ડોહો તો ખરો જ ને ..)
એક રાત્રે અમે ત્રણ જણા ત્રણ ઘોડા લઈને નીકળ્યા હતા ..એક જાપાનીઝ હતો ,એક ટ્રમ્પકાકાવાળો અને એક અમારો ઇટાલિયન.. એવું નક્કી કર્યું કે એક ગીયર ઉંચો ચલાવી અને એસજી સિંધુ ભવન થઇ ને પાછા ઘેર આવવું..
આખા રૂટ ઉપર ફૂલ કલર મારી માથે રહેલા કાંટીયાની સાક્ષીએ જગત આખાના ભવાં ચડાવી ને લાહ્ય લાહ્ય થયેલા ઘોડા લઈને અમે ઘરની બહાર ઉભા..પાછળ સીટીવાળા કાકા મારતી જીપે આવ્યા.. ચલો ઘરે જાવ અમે કીધું કાકા ઘરે જ છીએ , આંગળી ચીંધીને કીધું આ જ ઘર છે, જુવો ,અને હજી તો એક માંડ થાય છે.. ઘરની બાહર તો ઉભા રેહવાયને કાકા..
સીટીવાળા કાકા.. સારું ઉભા રહો, હું પણ જોડે ઉભો રહીશ.. કાકા એમનું જીપડું છોડીને અમારી જોડે ઉભા રહી ગયા.. સીટીવાળા કાકા ને અમારા ઘોડા જોઇને એમ જ થઇ ગયું હતું કે આ પરજા આજે કઈ `કાંડ` કરશે.. અમે તો અમારી ચલાવી જીમ ને પ્રોટીન ને વગેરે વગેરે પણ કાકા હટે જ નહિ, ઘરની બાહર જ બેઠા હતા એટલે અમને તો એમ હતું કે ભૂલમાં પણ પત્નીજીનો ફોન આવે તો તરત જ અંદર જતા રહીશું.. એટલે અમે નિરાંતમાં હતા અને બાકીના બે ને આગળ ઢાળ નોહતો ને પાછળ ઉલાળ નહિ..એટલે અમારી તો ચાલી બરાબર .. સીટીવાળા કાકા ને બે બોટલ પાણીમાંથી પાણી પણ ઓફર કર્યું , પણ કાકા જેનું નામ હટે એ બીજા … છેવટે મોડે અમે ઘેર ગયા , પણ જાપાનીઝ ઘોડાવાળો છેક પાલડી રહે .. સીટીવાળા કાકા એને છેક સેટેલાઈટથી પાલડી સુધી વળાવા પાછળ પાછળ ગયા..!
માન થઇ ગયું અમને પણ , સીટીવાળા કાકા ઉપર..
મને પણ થોડી બીક હતી કે સાલો એડી મારીને ઘોડો ઉડાડે નહિ.. મોટેભાગે મારી જોડેવાળા રાઈડરને હું બહુ `ઉપર` નથી જવા દેતો, કલર મારવો હોય તો એક ગીયર ઉપર રાખ, પણ યાર સ્પીડ નહિ ..જીવના જોખમ નહિ..એટલે ઘણીવાર મને ગાળો પડે છે …આના કરતા તો `લુના` લઇ લો ને સેર જ કરવી હોય તો..પણ બકા સેફટી ફર્સ્ટ ..!!
એ રાત્રે કાકા બધાને છેક ઘેર `મૂકી` ને જ જ્મ્પ્યા..!!
ક્યારેક તો એવું થાય હો કે ખોટા લોહી પી એ છીએ આ સીટીવાળા કાકાના..કેટલું ધ્યાન રાખે છે આપણું ..!!
પણ ચલતા હૈ .. એ લોકો જોડે પણ બેસવાની મજા છે, અને એમને પણ ક્યારેક અમે મજા કરાવીએ છીએ ..એ વાત ફરી ક્યારેક..!
ટોમ વિના નો જેરી અને જેરી વિનાનો ટોમ બેઉ અધૂરા..!!
ગઈકાલે તો પછી એસજી નું કલ્યાણ કર્યું.. ઘણે મોડે સુધી સીટીવાળા કાકા એસજી પર નોહતા દેખાયા..
કાલ નું ધણ સ્ટ્રગલ કરતુ ધણ હતું ,વાતના ટોપિક ધંધા જ હતા .. ઈએમઆઈના અને ક્રેડીટ કાર્ડને રવાડે ચડેલું ધણ હતું ,બધાના શ્વાસ એક થી દસ તારીખ સુધી અધ્ધર જ હોય છે ..આજની ખુશી માટે આવતીકાલ ગીરવે મૂકી દે છે અને પછી રાતની ઊંઘ હરામ થાય ત્યારે એમના જેવા શોધી અને રસ્તા ઉપર રાત કાઢે છે..!!
સમજાતું નથી આ આંકડાના ક્યા ખેલ ચાલે છે ..
ક્યારેક એવો સર્વે પણ થવો જોઈએ કે આ અઠવાડિયે કે મહીને સિગારેટો અને દારુની ખપત આટલા ટકા વધી .. આવો કૈક સર્વે થાય તો કદાચ ખબર પડે કે યુવાધન નો સ્ટ્રેસ કેટલો વધ્યો છે..
`ધણ` ની વાતો સાંભળી અને ક્યારેક અંદર રહેલો સાંઢ એક થડકારો ચુકી જાય છે..
જબરજસ્ત પ્રેશરમાં છે આજ નો છોકરો, એને જે મેળવવાનું છે અને જે રસ્તો એને દેખાય છે એમાં એની મંઝીલે પોહચવા એના માટે ચાર જનમ જોઈએ ..!!
કોમ્પીટીશન ગળાકાપ થતી જાય છે..અમે સાંઢો કદાચ નસીબવાળા હતા ઓછી ભીડમાં રસ્તો કર્યો ..આજે પગ તો છોડો અંગુઠો મુકવાની જગ્યા નથી..!!
સ્ટ્રેસ બસ્ટરની બહુ જ જરૂર છે દરેક ને , અને હેંગ આઉટ પ્લેસ જેવું કઈ જ અમદાવાદ નામના મોટા ગામડામાં છે નહિ , એટલે વાછરડા હતા ત્યારથી રોડે રોડે ભટકીએ છીએ..
પેહલા સીજી ,પછી નેહરુનગર ,આઈઆઈએમ ,પછી એસજી અને લેટેસ્ટ સિંધુ ભવન..
નવા રોડની રાહ જોવાઈ રહી છે..!!
વિચારજો તમે કે તમારો કોઈ આજની ખુશી માટે આવતીકાલ ગીરવે તો નથી મૂકી રહ્યો છે ..
રાત તલવારની ધાર છે … પ્રેશરમાં લપસ્યા તો પછી ઘણું બધું લઈને જાય છે આ રાત..!!!
મોજ કરો ..રોજ કરો ,
આપની સાંજ સુમધુર રહે ..!!
શૈશવ વોરા