થોડાક સમયથી અત્યારે બારમાં ધોરણમાં જે બેચ આવી છે એ બાળકો અને વાલીઓ ભયાનક રીતે પરેશાન થઇ ગયા છે, સમસ્યા સાયન્સના સ્ટુડન્ટની છે..!
સમસ્યા એવી છે કે કેન્દ્ર સરકારે લગભગ ત્રણ ચાર વર્ષથી મેડીકલ અને એન્જિનિયરીંગ ના એડમીશન નીટ અને જેઈઈ ની પરીક્ષાના આધારે આપવા એવું નક્કી કર્યું છે , અને આ બે પરીક્ષાઓ આખા દેશમાં એક જ દિવસે અને એક સરખી રીતે લેવાય એવું નક્કી કરેલ છે..
આમ જોવા જાવ તો આ પધ્ધતિ બિલકુલ ખોટી નથી, એક રાષ્ટ્ર અને એક પરીક્ષા અને બધા જ એડમીશન એક જ પધ્ધતિથી થાય તો જેટલા ગોટાળા અને ગૂંચવાડા પેહલા ઉભા થતા હતા એ બધા જ લગભગ આ પધ્ધતિમાં ગાયબ થઇ ગયા છે ..
એટલે જનસાધારણ તરીકે આપણા જેવા વાલીઓ માટે એડમીશન પ્રોસેસમાં ઘણી શાંતિ થઇ ગઈ છે..
હવે વારો “પણ” નો ..
પણ હવનમાં હાડકા નાખે નહિ તો સરકાર નહિ..!!
*નીટ અને જેઈઈ ની પરીક્ષાની જોડે જ દરેક રાજ્યની સરકારો પોતે પણ પોતાની બોર્ડ એક્ઝામ નામનું પુંછડું પછાડ્યા કરે છે, દરેક રાજ્ય સરકારોને એમની `તતુડી` વગાડતા જ રેહવું છે..*
અને અહિયાં પીસાય છે બાળકો ..!!
આજ ના સમાચાર છાપામાં છે કે નીટમાં જબરજસ્ત સ્કોર કરેલા બાળકો બોર્ડ એક્ઝામમાં નાપાસ થયા છે અને એટલા માટે એમને મેડીકલ એડમીશન નહિ મળે..!!
વાહ રે વાહ ..!!
આખે આખી કુરુસેના અને સામે બિચારો બાપડો એકલો લડતો આપણો અભિમન્યુ …!!
હજી આ કુરુસેનાનું બીજું પરાક્રમ કહું ..
અત્યારે આપણી પોત્તાની વહાલી એવી ગુજરાત સરકારે નિર્ણય એવો કર્યો છે કે એમની `તતુડી` દર વખતે વાગે છે એમ નહિ વગડવાની ..*હવે `તતુડી` તમારે એશી ટકા ઉંધેથી અને વીસ ટકા સીધેથી ફૂંક મારીને વગાડવાની ..!!*
*જયારે નીટ અને જેઈઈ ની `તતુડી` તો સીધે થી જ વગડવાની..!!*
હવે અહિયાં પેહલા તતુડી એટલે શું એ કોઈ ને ના ખબર હોય ને તો કહી દઉં એટલે અર્થના અનર્થ ના નીકળે ..
તતુડી એટલે બાળકોને રમવા માટે આપવામાં આવતી પીપુડીનું એક સ્વરૂપ ,જેનો મૂળ વિચાર શરણાઈ ઉપરથી લીધો છે ..તતુડી ક્યારેય સૂરમાં વાગે નહિ એ બાળકોને આનંદ આપે અને વડીલોને ત્રાસ..!!
બેક ટુ પોઈન્ટ ..
ગુજરાત સરકારે એમની બોર્ડ પરીક્ષા માટે જેઇઇ અને નીટ ની પરીક્ષાથી ઉંધા જઈને પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે ..
*નીટ અને જેઇઇ ની પરીક્ષા લેવાની પધ્ધતિ એમસીકયુ છે , આ બંને પરીક્ષામાં સો ટકા એમસીક્યુ જ પૂછવામાં આવે છે..* એમસીકયુ ની પધ્ધતિ અમે જ્યારે દસમાં ધોરણમાં હતા સાલ ૧૯૮૫માં ત્યારે ગણિતમાં સોમાંથી વીસમાર્કના પુછવા એવું નક્કી થયું હતું અને ત્યારે એવી વાત હતી કે ધીમે ધીમે સો ટકા એમસીકયુ જ પૂછવા..
એ સમયે કારણ એવું આપવામાં આવ્યું હતું કે આપણે સાયન્સ ભણતા બાળકોની પાસે કેટલું જ્ઞાન ઉર્ફે નોલેજ છે એ ચેક કરવાનું છે નહિ કે એમની પાસે નિબંધો લખાવવાના છે..
વાત સાચી છે સાયન્સમાં નિબંધો લખવાની જરૂર નથી એટલે સાયન્સના તમામ વિષયોમાં દુનિયા આખીમાં મોટેભાગે તમામ પરીક્ષા એમસીકયુ થી જ લેવાય છે ..પણ આપણી ગુજરાત સરકાર અત્યાર સુધી પચાસ ટકા એમસીક્યુ અને પચાસ ટકા સબ્જેકટીવ થી એમની બોર્ડની પરીક્ષા લે છે..!!
*અને આ વર્ષે તો એમને બોર્ડ એક્ઝામમાં એશી ટકા સબ્જેકટીવ અને વીસ ટકા એમસીકયુ કરવા છે..!!*
અહિયાં મજાની વાત એ છે કે આરએસએસની ગળથૂથી પી ને મોટા થયેલા લોકો દ્વારા ચાલતી આ સરકાર છે , અને સંઘની તમામ બેઠકોમાં લોર્ડ મેકાલે દ્વારા આપણા માથે મારવામાં આવેલી આ ક્લાર્ક પેદા કરવાની શિક્ષણ પધ્ધતિને પાણી પી પી ને કોસવામાં આવે છે , ભારતીય જનમાનસ ના ડીકોલોલાઈઝેશન ની વાત કરવામાં આવે છે અને એના માટેથી જ એક પ્રક્રિયાના ભાગ રૂપે એમની જ કેન્દ્ર સરકાર જે શિક્ષણ પધ્ધતિ અપનાવી રહી છે એનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં જઈ રહી છે …
સંઘ ના સંસ્કારોથી તદ્દન વિરુદ્ધ..!!
દુનિયા આખી વિજ્ઞાનના વિષયમાં `નિબંધો`ને જાકારો આપી ચુકી છે ત્યારે ગુજરાત સરકાર કહે છે તમે હજુ પણ નિબંધ લખો ..!
સત્યનાશ ..!!
એશી ટકા સબ્જેકટીવ અને વીસ ટકા એમસીકયુ ..!!
હે ગુર્જર પ્રદેશના કેળવણીકાર નામના દિવ્યઆત્માઓ *આપણે શોધનિબંધ (પીએચડી ની થીસીસ) લખે તેવા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પેદા કરવાના છે નહિ કે થઇ ગયેલી શોધ ઉપર નિબંધ..!*
જે વસ્તુ દુનિયામાં શોધાઈ ગઈ છે એની ઉપર તો રટ્ટો મારી ને ગમે તે દસ પત્તા ઘચડી મારે, આપણે કોઈની શોધો ને સમજી અને નવું શોધી અને માનવજીવનને વધુ બેહતર બનાવે એવા સંતાનો ઘડવાના છે..
હોય ,છે ,નથી ,તેથી ,તો , આવું બધું લગાડીને ઘણું લાંબુ લખાય પણ દિવ્યઆત્માઓ આપણે લોર્ડ મેકાલેની આપેલી આ સીસ્ટમમાંથી આપણે બહાર આવવાનું છે સાયન્સ ભણાવીને ક્લાર્ક પેદા નથી કરવાનો..!!
સાયન્સના વિષયોની પરીક્ષા સો ટકા એમસીકયુ થી જ લેવાય અને આ વાત ભારત સરકાર સારી રીતે સમજી ચુકી છે પણ ગુજરાત સરકાર નથી સમજતી અને ગાડી રીવર્સ ગીયેરમાં લઇ જઈ રહી છે..!!
સંઘના અધિકારીઓ ને અને સંઘના કાર્યકર્તાને હું જ્યારે દિલોજાનથી રાષ્ટ્ર ઉન્નતિ માટે કામ કરતા જોઈ છું ત્યારે એક અજાણ્યો અહોભાવ તમારા આ શૈશવને ઘેરી લેતો હોય છે પણ આવા વગર વિચર્યા નિર્ણયો જયારે લેવાય છે ત્યારે અત્યંત ગ્લાની નો ભાવ શૈશવને આવે છે …
શા માટે આવનારી પેઢીને પાછળ લઇ જાવ છો..?
આપણે ગુજરાતે મેક્સીમમ આઈઆઈટીઅન પેદા કરવા ના છે , સારામાં સારા ડોક્ટર્સ પેદા કરવાના છે ..
લોર્ડ મેકાલની સીસ્ટમથી દુર જઈને બેરામજી જીજીભોય એ પેહલી મેડીકલ કોલેજ ખોલી અને તાતા એ આઈઆઈટી ..
મેડીકલ કોલેજ તો બેરામજી જીજીભોય એ અમદાવાદને ક્યારની આપી હતી ,પણ આઈઆઈટી હજી હમણાં ગાંધીનગર આવી છે..
સાહેબો નિબંધ લખાવવાથી છોકરા નીટ અને જેઈઈમાં પાછા પડી રહ્યા છે ..
બંધ કરો આ નિબંધોની ભવાઈ , અને સો ટકા નીટ અને જેઇઇ ની જેમ એમસીકયુ ઉપર લઇ જાવ , ગુજરાતી છોકરા ને દેશના છોકરા જોડે તાલ સાથે તાલ મિલાવવા ની તક આપો ..
ગુજરાતી બાળકને પગે સબ્જેકટીવના `મણિકા` બાંધી અને જેઇઇ અને નીટ આપવા ના મોકલો..!
નથી જોવાતી અમારા માંબાપથી એ બાળકનાં ભણતરના ભારની પીડા , જે દિવસ રાત એક કરીને ભણી રહ્યું છે અને રાત પડ્યે માંબાપ ઊંઘ્યા હોય ત્યારે એકલું એકલું રડી લ્યે…
ભગવાને તમને પણ વાંઝીયા નથી રાખ્યા, ક્યારેક અગિયાર સાયન્સ અને બાર સાયન્સના ચોપડાનું વજન કરી જોજો સાહેબો તમારા સંતાનના વજન કરતા વધારે થશે..!!
એ થોડામાં ઝાઝું રાખજો ..
હૈયે રામ વસ્યો હોય તો એ બાળકોની પીડા સમજીને ફોરવર્ડ કરજો અને મારો અલખ ધણી મહાકાલ સૌને સદબુદ્ધિ આપે..
સત્તા, અમે અને તમે ,આજ છીએ ને કાલ નહિ બાપલીયા , પણ એ બાળક તો કાલે ચોક્કસ હશે..!!
સૌને સવાર સવારના રામ રામ ,
કરો ફોરવર્ડ કોઈ ના હૈયે રામ જાગે..!!
શૈશવ વોરા